સુરેન્દ્રનગર જિલ્લાને કોરોનાને રાજય સરકાર પાસે અંદાજે 10,000ની માંગ સામે લઇને પાંચ દિવસ બાદ કોવેક્સિન રસીનો 3000નો નવો સ્ટોક મળ્યો હતો. જેના કારણે શુક્રવારથી જ લોકો સામેથી રસી લેવા આવ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો.
બીજી તરફ સુરેન્દ્રનગર-વઢવાણ સિટી વિસ્તારમાં જ આરોગ્ય તંત્ર દ્વારા 1200 રસીનો ડોઝ ફાળવ્યો હતો. જિલ્લામાં આ દિવસે 503 લોકોએ રસી મૂકાવી હતી. સંભવિત કોરોનાને લઇને તા. 21 ડિસેમ્બરે રાજયની તાકીદ બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બેઠકો કરીને વિવિધ પ્રકારની તૈયારીઓ કરાઇ રહી છે.
હોસ્પિટલમાં બેડની, વેન્ટિલેટર, ઓકિસજન ટેંકની વ્યવસ્થા દવાનો જથ્થો સહિતની કામગીરી હાથ ધરાઇ છે. પરંતુ કોરોના સામેનું મુખ્ય શસ્ત્ર એવુ કોરોના રસીનો જ જિલ્લામાં સ્ટોક ન હોવાનું બહાર આવ્યુ હતુ. જેને લઇને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રાજયકક્ષાએ પણ અંદાજે 10,000 રસીના ડોઝની માંગ કરાઇ હતી.ડોઝના અભાવે રસીકરણની કામગીરીમાં પણ વિલંબ થઇ રહ્યો હતો. ત્યારે ગુરૂવાર મોડી રાત્રે કોવેક્સિનનો 3000નો ડોઝ આવતા રાહત ફેલાઇ હતી. અને શુક્રવારે સુરેન્દ્રનગર-વઢવામ સિટી વિસ્તારના અર્બન સેન્ટરો સહિતના સ્થળોએ 1200 જેટલો રસીનો સ્ટોક ફાળવવામાં આવ્યો હતો.આ ઉપરાંત જિલ્લાના તાલુકા મથકો ઉપર પણ જરૂરીયાત મુજબનો સ્ટોકની ફાળવણી કરાઇ હતી. આથી જિલ્લામાં સરકારી 42 કેન્દ્રો પર આ દિવસે 502 લોકોએ રસી લીધી હતી. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલે જણાવ્યું કે, રસીના ડોઝ આવતા આરોગ્યની ટીમો કાર્યરત બની ગઇ છે.અને લોકો પણ સામેથી આવીને રસી લઇ રહ્યા છે.