૫૨ ગામોનાં ૨૫ હજારથી વધુ ખેડુતોને કૃષિ ઉત્પાદનમાં અંદાજીત ૨૫૦ કરોડનો મળ્યો લાભ: મેઘલ નદીને બારમાસી વહેતી કરવા મેઘલ રીવર કોર ગ્રુપનાં ભગિરથ પ્રયાસો
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાં, મેંદરડા અને કેશોદ તાલુકાનાં ૫૨ ગામનાં ધરતીપુત્રોએ ૪૭૭ ચોરસ કીલોમિટર વિસ્તાર અને અંદાજીત ૩૬ હજાર હેકટર જમીનને આવરી લઇ સ્વયંભુ જળક્રાંતિનું નેતૃત્વ સંભાળી નવી ક્રાંતિનાં મંડાણ કર્યા છે.
રાજ્ય સરકાર દ્વારા બંધાયેલા ચેકડેમ સાચવવા સાથે નવા ચેકડેમ બનાવવા ખેડુતોએ સ્વયંભુ મેઘલ રીવર કોર ગૃપની રચના કરી જેનાં સભ્યો આ વિસ્તારનાં ખેડુતો હતા.તેમણે નવા ૨૨ ચેકડેમ બાંધ્યા આ ચેકડેમ બાંધવા તેમણે ખેડુતો પાસેથી લોકફાળો ઉઘરાવ્યો શરૂઆતમાં ખેડુતોએ નાના પાયે રૂ.૧૦૦ કે ૫૦૦ ફાળો આપતા પરંતુ જળસંગ્રહનાં અદભુત પરિણામો જોઇ ખેડુતોએ ફાળો આપવા આગળ આવ્યા કોઇ પથ્થરની એક ગાડી આપે તો કોઇ બે ગાડી પથ્થર આપે અને કોઇ ખેડુત સારા માઠા પ્રસંગે મેઘલ રીવર કોર ગૃપને ફાળો આપતા થયા
ખેડુતોનાં લોકફાળા ઊપરાંત જાત મહેનત ઝીંદાબાદ અને અપના હાથ જગન્નાથ સુત્રને સાર્થક કરી જળસંગ્રહ માટે મંડી પડ્યા, જૂના ચેકડેમમાં ગેઈટ મુકવા, બોરીબંધ બાંધવા અને હયાત ચેકડેમ પર બે થર પથ્થરની લાઇન કરી પ્લાસ્ટીક પાથરી પાણીને રોકવાનો કાઠીયાવાડી અંદાજ તો આ ખેડુતોના ભેજાની નીપજ છે.
જેનાં વિસ્મયકારી પરિણામો મળ્યા,૧૫ વર્ષ પહેલા ચોરવાડનાં દરિયાકાંઠા તરફથી આવતું ખારાશનું અતિક્રમણ ઘટ્યુ, કુવાનાં જળસ્તર ઊંચા આવ્યા, જ્યાં ખેડુતો માત્રને માત્ર ચોમાસુ પાક લેતા તે હવે શીયાળુ પાક લેતા થયા અને આ ૫૨ ગામનાં ૫૦ થી ૬૦ ટકા વિસ્તારમાં ઊનાળુ પાક પણ લહેરાતો થયો. આ ખુબ મોટી સિધ્ધી છે. અને તેના પરિણામે ૫૨ ગામનાં ૨૫ હજાર જેટલા લાભાર્થી ખેડુતોને કૃષિ ઊત્પાદનમાં અંદાજીત રૂા. ૨૫૦ કરોડનો ફાયદો થયો. ૨૫૦ કરોડનો ફાયદો એટલે કે ૨૫ હજાર જેટલા ખેડુતોની વાર્ષિક રૂા. એક લાખની આવક વધી એ માત્ર જળસંગ્રહનાં લીધે જ.
જળસંગ્રહથી થતાં માત્ર પાણીનાં તળ જ ઊંચા નથી આવ્યા પરંતુ પાણીની ગુણવત્તા સુધરતા વિઘે ૧૦ મણ મગફળીનો પાક થતો તે હવે ૨૦ થી ૩૦ મણ સુધી થઇ રહ્યો છે. ઘઊં, તલ, બાજરો, અને કઠોળના ઊત્પાદનમાં પણ વધારો થયો છે.
મેઘલ રીવર કોર ગ્રુપની ખાસીયત છે કે તેઓ કામ કરવામાં માને છે. અને ગ્રુપનાં તમામ સભ્યો ખેડુતો પાસેથી ફાળો ઉઘરાવે, જાત મહેનત પણ કરવાની, બસ તેમનું ધ્યેય છે, મેઘલ નદીને બારમાસી વહેતી જોવાનું. નવુ જુનું પાણી ભેગુ કરી આ વિસ્તારને બારેમાસ લીલોછમ રાખવાનું. મેઘલ રીવર કોર ગ્રુપને ફીકકી દ્વારા વર્ષ ૨૦૧૭ માં નુતન અભિગમ માટે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.
જશુબાપા પંડ્યાનો સંકલ્પ મેઘલ નદી બારમાસી નહીં થાય ત્યાં સુધી ઘી કે ઘીની મીઠાઇ નહીં જમુ
જશવંતરાય પંડ્યા આજે ૮૫ વર્ષના થયા છે. તેઓ ૨૦૦૩માં કલીમલ બાપુનાં આશ્રમથી ચોરવાડ સુધી જળ બચાવો પદયાત્રામાં સહભાગી થયા હતા. આ પદયાત્રા દરમ્યાન તેમણે માળીયા હાટીના, મેંદરડા અને કેશોદ તાલુકાનાં ૫૨ ગામનો કમાન્ડ એરીયા ધરવતી મેઘલ નદીને બારમાસી વહેતી ન થાય ત્યાં સુધી ઘી કે ઘીની મીઠાઇ ના ખાવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ તેમનો અકબંધ છે.
હજુ મેઘલ બારસાસી નથી થઇ પરંતુ તેમને શ્રધ્ધા છે કે હવે ખેડુતો જાગી ગયા છે. જળસંગ્રહ કરવા સાથે જળ બચાવતા થયા છે. એટલે મેઘલ ચોક્કસ બારમાસી થશે. મેઘલમાં નવુ જૂનું પાણી ભેગું થશે. અજાબ ક્ધયા શાળાનાં નિવૃત આચાર્ય અને છેલ્લા ૪૬ વર્ષથી માનવ સેવા સહાય સંવર્ધન ટ્રસ્ટ સાથે સંકળાયેલા જશુબાપાનો મેઘલને બારમાસી બનાવવાનો ૧૭ વર્ષ પહેલા લેવાયેલો સંકલ્પ લોકજાગૃતિ થકી હવે તેમને સાકાર થતો દેખાઇ રહ્યો છે. આજે હજુ પણ મેઘલમાં વરસાદી પાણી વહી રહ્યા છે.