“માં ભોમને રક્ષા કાજે” અંગ્રેજો સામે બાથ ભીડનાર તેમજ અમૂલ્ય પ્રાણોની આહૂતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની પુણ્યતિથિ તા.૨૩મી માર્ચની અશ્રુભીની ઉજવણી પૂર્વે આજે સુરતની ૧૦૮ ડાયમંડ કંપનીઓએ યોજેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૪૩૫ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. જેમાં રત્નકલાકારો, પોલીસ, આર્મી રક્તદાન કરીને અનોખી રક્તાંજલિ અર્પી હતી. રક્તદાતાઓને બિરદાવવા પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં રક્તની માંગને પહોંચી વળવા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી નીલમાધવ ઈમ્પેક્ષ, રોયલ ઇમ્પેક્ષ અને સહયોગ ડાયમંડ સહિત ૧૦૮ ડાયમંડ કંપનીઓ સાથે લિટલ સ્ટાર હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી વરાછા વિસ્તારની માતાવાડી સ્થિત રોયલ ઈમ્પેક્ષ અને સહયોગ ડાયમંડ ખાતે સવારથી જ રત્નલાકારોએ રકત આપવા માટે લાઇનો લગાવી હતી.
મેગા રક્તદાન કેમ્પમાં ધનલક્ષ્મી ડાયમંડ, શેખડા એક્સપોર્ટ, ગોરસીયા બ્રધર્સ, એચ.એચ.ડી.જેમ્સ, એ.એસ.કુમાર જેમ્સ, ડી.પી.ઈન્સ્યોરન્સ સહિત વિવિધ ડાયમંડ કંપનીઓના રત્નકલાકારોએ દેશના વીરોની સ્મૃત્તિમાં રક્તદાન કર્યું હતું. દેશભક્તિના સંગીતમય માહોલ વચ્ચે રત્નકલાકારો સહિત સેવાભાવી વ્યક્તિઓ ઉમળકાભેર રક્તદાન માટે આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેંકના હેડ શ્રીમતી અંકિતા શાહના માર્ગદર્શનમાં ૪૦૧ યુનિટ રક્ત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને અર્પણ કરાયું હતું. જ્યારે લોક સમર્પણ બ્લડ બેંકમાં ૩૭૬ યુનિટ અને કિરણ હોસ્પિટલની બ્લડ બેંકમાં ૬૫૮ યુનિટ રક્ત મળીને કુલ ૧૪૩૫ રક્ત એકત્ર કરીને અર્પણ કરાયું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનરએ રત્નકલાકારો અને ડાયમંડ કંપનીઓની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું હતું કે, સુરતમાં સેવાની સરવાણી સદાકાળ વહેતી રહે છે. સેવા, દાન અને દિલાવરીમાં સુરતવાસીઓ હંમેશા અગ્રેસર હોય છે.
અંગ્રેજો સામે પ્રાણની બાજી લગાવી તેમના અન્યાય અને જોહુકમી સામે મક્કમ મુકાબલો કરી ક્રાંતિકારી શહીદોએ લોહીની આહૂતિ અર્પી છે. ઋતુઓના ફેરફારથી હોસ્પિટલમાં પણ રક્તની જરૂરિયાત વધતી હોય છે, ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી સુરતમાં વસેલા નાગરિકો તેમજ અન્ય રાજ્યોમાંથી સુરતમાં સારવાર માટે આવતા દર્દીઓમાં લોહીની માંગને પહોંચી વળવા મેગા રક્તદાન કેમ્પ જરૂરી છે. રત્નકલાકારો સહિત સુરક્ષા જવાનોએ આપેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાનથી ઓછું નથી.
ત્યારે સેવા અને રાષ્ટ્ર પ્રેમની ભાવના સાથે યોગદાન આપવા માટે રત્નકલાકારોની તત્પરતાને તેમણે સરાહી હતી. નોંધનીય છે કે, રાષ્ટ્રસેવાની ભાવનાથી પાંચ વર્ષ પહેલા એક કંપનીથી શરૂ થયેલા રક્તદાન કેમ્પની પરંપરામાં આજે ૧૦૮ કંપની જોડાઈ હતી. સેવાકીય પ્રવૃતિમાં શહીદોના પરિવારોનું સન્માન, વૃક્ષારોપણ, અંગદાન મહાદાન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સહિત ગામડાઓમાં તળાવો બનાવવાના સંકલ્પ લઇને નીલ માધવ પરિવારે સુરતની ડાયમંડ કંપનીઓને આ સેવાકાર્યોમાં જોડી છે. આ પ્રસંગે રિટાયર્ડ આર્મી ઓફિસર્સ અને સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળના ઓફિસર્સ સહિત અગ્રણીઓ, ૧૦૮ ડાયમંડ યુનિટના માલિકો, રત્નકલાકારો, પોલીસ સ્ટાફ, તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત શહેરીજનો કેમ્પમાં જોડાયા હતા.