- સારા વળતરની લાલચે 13 ડોક્ટરો સાથે 5 કરોડ 24 લાખ રૂપિયાની છેતરપિંડી
- પોલીસની ઇકો સેલે હેમંત પરમાર તેમજ મયુર ગોસ્વામીની ધરપકડ કરી અને મુખ્ય આરોપી હાર્દિક પટવાને વોન્ટેડ જાહેર કર્યો
સુરત ન્યૂઝ : સુરતમાં પોતાના પરિવાર સાથે રહેતા અને છેલ્લા 13 વર્ષ હોસ્પિટલના બાયોકેમેસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા ડોકટર કપિલ શહાણેનો સંપર્ક 2004 થી 2009ના સમયમાં મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા હાર્દિક પટવા સાથે થયો હતો. હાર્દિક તેમનાથી એક વર્ષ આગળ અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ હાર્દિક અને કપિલ બંને સાથે જ 2010માં સ્મિમેર મેડિકલ કોલેજમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા.
2021માં હાર્દિકે કપિલને જણાવ્યું હતું કે હું એમ્બ્યુલન્સ સર્વિસનો ધંધો કરું છું જેમાં સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસના હેમંત પરમાર અને યગ્સ એમ્બ્યુલન્સ સર્વિસના મયુર ગોસ્વામી મારા ભાગીદાર છે. એમ્બ્યુલન્સ સર્વિસના ધંધામાં ખૂબ જ સારી એવી કમાણી છે અને આ ધંધામાં જો તમારે પણ સારી આવક મેળવવી હોય તો તમે પણ અલગ અલગ એમ્બ્યુલન્સ તેમજ મોટી મોટી કંપનીઓમાં એમ્બ્યુલન્સ સેવા પ્રોવાઇડ કરીને કામ કરી શકો છો.
ડોક્ટર હાર્દિક પટવાએ ડોક્ટર કપિલ ને પોતાના વિશ્વાસમાં લીધા બાદ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રાયગઢની જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડ કંપનીને 12 એમ્બ્યુલન્સની જરૂર હોવાનું એક ટેન્ડર બહાર પડ્યું છે. શનસાઈન એમ્બ્યુલન્સ દ્વારા આ ટેન્ડર ભરવામાં આવ્યું છે અને આ ટેન્ડર મંજૂર મંજૂર કરવા માટે 7 કરોડ રૂપિયાની જરૂર પડશે. હાર્દિકે એવી પણ લાલચ આપી હતી કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દર્દીને એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવે તો એક ટ્રીપમાં એક લાખ રૂપિયાનો નફો થાય છે.
આ જ પ્રકારે ડોક્ટર હાર્દિક પટવાએ પોતાના સાથીદારો હેમંત પરમાર અને મયુર ગોસ્વામી સાથે મળીને સુરતના મેમ્બર હોસ્પિટલ સહિત 13 ડોક્ટરો પાસેથી 5 કરોડ 24 લાખ રૂપિયા લીધા હતા અને આ તમામને એવું જણાવ્યું હતું કે, આ ધંધામાં રોકાણ કરશો તો બે વર્ષે હિસાબ કરીશું અને નફો થશે તેમાં 50 ટકા તમારો ભાગ રહેશે. આ સમગ્ર મામલે ડોક્ટરો દ્વારા ફરિયાદ કરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મસ્મિમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક પટવા, શનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલક હેમંત પરમાર તેમજ યગ્સ એમ્બ્યુલન્સના સંચાલક મયુર ગોસ્વામી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.
આ સમગ્ર મામલે ઇકોસેલના પીએસઆઇ પવારને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ ઇકોસેલ દ્વારા કરવામાં આવી છે અને તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તો ડોક્ટર હાર્દિક પટવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એવી પણ આ શંકા સેવવામાં આવી રહી છે કે, આ ત્રણેયે સાથે મળીને અંદાજિત 15થી 20 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોઈ શકે છે.
મહત્વની વાત છે કે ડોક્ટર હાર્દિક પટવા પાસે ડોકટર કપિલ સહિત અન્ય ડોક્ટરોના પૈસા ફસાયા હોવાના કારણે તેઓ પોતાના પૈસા પરત માગવા માટે ડોક્ટર હાર્દિકને ફોન કરતા હતા અને હાર્દિક બહાનાઓ બનાવતો હતો. ત્યારે તમામ ડોક્ટરોને હાર્દિક પર શંકા જતા તેની પાસેથી પૈસા માગવાનું શરૂ કરતાં જ ડોક્ટર હાર્દિકે સ્મીમેર હોસ્પિટલ આવવાનો પણ બંધ કરી દીધું અને પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો અને પોતાના ઘરેથી તે ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત 15-10-2023ના રોજ હાર્દિકે ડોકટર કપિલને ફોન કરીને મળવાનું જણાવ્યું હતું અને ડોક્ટર હાર્દિક તેમજ ડોક્ટર કપિલ બને યુનિક હોસ્પિટલની એક ઓફિસમાં મળ્યા હતા અને જ્યાં હાર્દિકે કબુલાત કરી હતી કે તેણે એમ્બ્યુલન્સના ધંધામાં રોકેલા નાણા ક્રિપ્ટો કરન્સીમાં રોક્યા છે અને કુલ 12 કરોડનું નુકસાન થયું હોવાથી તે રકમ પરત આવી શકે તેમ નથી.
ભાવેશ ઉપાધ્યાય