સુરતની અઠવા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારને સાત દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે આજ રોજ પોલીસ પરિવારની મહિલાઓ પોલીસ કમિશ્નરની કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી. પોલીસ પરિવારના બહેનોની માંગણી છે કે, તેમને નવા બનેલા આવાસોમાં મકાનની ફાળવણી કરવામાં આવે.
અઠવા પોલીસ લાઈનમાં 126 જેટલા પરિવારો રહે છે અને તમામને નોટિસ મળતાં તેઓ ચિંતામાં મુકાયા છે કે, હવે ચોમાસાની ઋતુને ગણતરીના દિવસોની વાર છે ત્યારે મકાન ખાલી કરવાની નોટિસ મળી છે. તો આવી પરિસ્થિતિમાં કઈ રીતે અન્ય જગ્યા પર રહેવા જેવું કરી પોલીસ પરિવારની તમામ મહિલાઓ એકઠી થઈને સુરત પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા માટે પહોંચી હતી. જ્યાં તેમને પોલીસ અધિકારીને રજૂઆત કરતાં તેમને જવાબ મળ્યો હતો કે, નવા બનેલા આવાસોમાં તમને મકાન મળશે નહીં.
પોલીસ પરિવારના સભ્યો કરી રહ્યા છે કે, ઘર ખાલી કરવાની નોટિસ મળી છે બીજી તરફ નવું મકાન પણ આપવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિમાં અમને એવું કહેવામાં આવે છે કે તમે ભાડાના મકાનમાં રહેવા જાવ. અમારે કઈ રીતે ભાડાનું મકાન વર્તમાન પરિસ્થિતિમાં શોધવુ. મહત્વની વાત છે કે પોલીસ કર્મચારીનું પગારધોરણ નીચું હોય છે અને તેમાં સાતથી આઠ હજાર રૂપિયા ઘરભાડું પોલીસ પરિવારના સભ્યોને કઈ રીતે પોસાય તે પણ એક સવાલ ઊઠે છે. તેથી પોલીસ પરિવારની માગણી છે તેમને નવા બનેલા આવાસોમાં મકાન ફાળવવામાં આવે છે જેથી તેમણે પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી ન પડે