- સ્મીમેર હોસ્પિટલની અદ્ભુત સફળતા
- ગંભીર બીમારીઓથી લડતી રીના ઝીંઝાળાની કરાઈ સફળ ડીલીવરી
- માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં અપાઈ રજા
સુરતના ગડોદરાના રીના ઝીંઝાળા ને સ્મીમેર હોસ્પિટલ ખાતે છ માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવ્યા હતા. તેણીને એક સાથે સિકલ સેલ ટ્રેઈટ (લોહીમાં હિમોગ્લોબીન બનવાની તકલીફ) સહિતની ગંભીર બીમારીઓ હતી. આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહિ તેવું સ્વપ્નવત લાગતું હતું. ત્યારે સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડીક તથા ગાયનેક વિભાગના ડોકટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરી હતી. મહાશિવરાત્રીનાં દિવસે સાડા આઠ માસે પ્રસુતિની જરૂરિયાત જણાતા સીઝેરીયન ડીલીવરી કરવામાં આવી અને 1.90 કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો હતો. ત્યારે માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવી છે.
ગંભીર રોગો સામે માતૃત્વની જીત – મહાશિવરાત્રીનાં દિવસે સ્મીમેર હોસ્પિટલની અદ્ભુત સફળતા
રીના જયેશ ઝીંઝાળા , ઉંમર ૨૧, રહેવાસી ગડોદરા, સુરત ને તા.૦૨/૦૧/૨૦૨૫ ના રોજ સ્મીમેર હોસ્પિટલ ખાતે છ માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવી હતી. તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નેોસીસ ઓફ હીપ (થાપાના બંને ગોળા લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું), એકયુટ ઈન્ટરમીટન્ટ પોર્ફારિયા, સિકલ સેલ ટ્રેઈટ (લોહીમાં હિમોગ્લોબીન બનવાની તકલીફ) જેવી બીમારીઓ હતી. બંને થાપામાં સખત દુઃખાવો રહેતો હતો તેથી તેણી સંપૂર્ણપણે પથારીવશ હતી તથા સ્વતંત્ર રીતે હલન-ચલન તો દુર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું. આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહિ તેવું સ્વપ્નવત લાગતું હતું. સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડીક તથા ગાયનેક વિભાગના ડોકટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવેલ. તા. ૧૧/૦૧/૨૦૨૫ ના રોજ તેણીને રજા આપવામાં આવેલ પરંતુ તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ તેણીને દુ:ખાવાની તકલીફ થતા ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવેલ. ગાયનેક વિભાગના ડોકટરો ધ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. સમયાંતરે માતાના લોહીના રીપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવેલ. લોહીની ઉણપના લીધે અલગ-અલગ દિવસોએ કુલ – ૧૩ લોહીની બોટલ ચઢાવવામાં આવેલ. તા.૨૬/૦૨/૨૦૨૫ નાં રોજ મહાશિવરાત્રીનાં દિવસે સાડા આઠ માસે પ્રસુતિની જરૂરિયાત જણાતા સીઝેરીયન ડીલીવરી કરવામાં આવી અને ૧.૯૦ કિલો વજન સાથે બાળકીનો જન્મ થયેલ. તા.૦૬/૦૩/૨૦૨૫ ના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવેલ.
રીનાની ગર્ભાવસ્થાની સંભાળ રાખાનાર ગાયનેક વિભાગના યુનિટ-૨ ના તબીબો ડો. જીતેશ શાહ (એસો. પ્રોફેસર), ડો. અનામિકા મંજુમદાર, ડો. પ્રિયંકા પટેલ, ડો. દિપાલી શિવાસને અને રેસીડન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી છે. સાથે ઓર્થોપેડીક વિભાગના ડો. પ્રભવ તિજોરીવાલા (એસો. પ્રોફેસર), પીડીયાટ્રીક વિભાગના ડો. નિરાલી મહેતા (એસો. પ્રોફેસર) તથા એનેસ્થેસીયા વિભાગના ડો. ભાવના સોજીત્રા (પ્રોફેસર) તેમજ મેડીસીન વિભાગના ડોકટરો, નર્સીગ સ્ટાફ તથા વર્ગ-૪ના કર્મચારીઓ તમામ દર્દીની સારવારમાં ૨૪ કલાક ખડેપગે રહ્યા છે. દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટિના ચેરમેન મનીપાબેન આહિર તેણીની પ્રસુતિ સુધી ફોલોપ રાખ્યુ હતું તથા મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેન્દ્ર દર્શન, સીની.આર.એમ.ઓ ડો. જયેશ પટેલ તેમજ આર.એમ.ઓ.ડો. નીતા પટેલ – ગાયનેક વિભાગના ડોક્ટરોની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય