• ફરિયાદીના સગા મામાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
  • 27 તોલા સોનું,ચાર લાખથી વધુની રોકડ રકમ સહિત એક મોપેડ અને મોબાઈલ કબ્જે

Surat: વરાછા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં ત્રીજી સપ્ટેમ્બર ના રોજ થયેલી લાખોની ઘરફોડ ચોરીની ઘટના નો ભેદ વરાછા પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ ઘર ફોડ ચોરીમાં અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીના સગા મામાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જે આરોપીની ધરપકડ કરી પોલીસે 27 તોલા સોનું અને ચાર લાખથી વધુની રોકડ રકમ સહિત એક મોપેડ અને મોબાઈલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ પોતાના સંબંધીના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી હતી. જે ચાવી વડે લોક ખોલી લાખોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.05 1 7

સુરતના વરાછા પોલીસથી પકડમાં ઉભેલા આ આરોપીનું નામ રમેશ હીરાચંદ જૈન છે. જે આરોપીએ પોતાના જ સંબંધીના ઘરમાં લાખોની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો. વરાછા પોલીસના જણાવ્યા મુજબ ત્રીજી સપ્ટેમ્બર ના રોજ વરાછા હાઉસિંગ સોસાયટીમાં આવેલા બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. માત્ર બે કલાક માટે ધાર્મિક પ્રસંગે બહાર ગયેલા પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરની બાલ્કની વાટે પ્રવેશ કર્યો હતો. જે બાદ ઘરના કબાટનું લોક તોડી તેમાંથી 25 તોલા થી વધુ સોનું અને અંદાજિત પાંચ લાખ રૂપિયા ની રોકડ રકમ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.

લાખોની ઘરફોડ ચોરીની ઘટના અંગે વરાછા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગુના નો ભેદ ઉકેલ કાઢવા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. જે દરમિયાન વરાછા પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ ના આધારે લાખોની ઘરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલા આરોપી રમેશ હિરાચંદ જૈન ની ધરપકડ કરી હતી.

01 1 14

પોલીસે આરોપી રમેશ હિરાચંદ જૈનની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. જે પૂછપરછ દરમ્યાન આરોપી પાસેથી 25 તોલા સોનું અને રોકડા ₹4,00,000 થી વધુની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. ઉપરાંત ગુનામાં વપરાયેલી મોપેડ અને મોબાઈલ પણ જપ્ત કરાયો હતો. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં આરોપી પોતે ફરિયાદીનો સગો મામો હોવાનું બહાર આવતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી રમેશ હીરાચંદ જૈન ફરિયાદી નરેશ કસ્તુરચંદ કોઠારી નો સંબંધીમાં કૌટુંબિક મામા થાય છે.. જેનો લાભ ઉઠાવી અગાઉ તે બે થી ત્રણ વખત નરેશભાઈ ના ઘરે ચા પાણી કરવા માટે ગયો હતો. પોતાની પત્નીને ડીલેવરી માટે તે સુરત આવ્યો હતો અને પોતાના ભાઈના ઘરે અક્ષર ટાઉનશીપ ઇન્ટરસિટી ખાતે રોકાયો હતો. અહીં અક્ષર ટાઉનશિપમાં જૈન સમાજના ધાર્મિક પ્રસંગમાં નરેશભાઈ તેમની પત્ની તથા માતા સાથે આવતા હોય તે વાતની આરોપીને જાણ થઈ હતી. જેથી ત્રીજી સપ્ટેમ્બર ના રોજ સાંજના 7:00 વાગ્યાથી રાત્રિના નવ વાગ્યાના સમય દરમિયાન નરેશભાઈ પોતાનાં પરિવાર સાથે ઉપાશ્રય ખાતે ગયા હતા અને તે તકનો લાભ આરોપીએ ઉઠાવ્યો હતો.

વરાછા પોલીસની પૂછપરછ માં આરોપીએ નરેશભાઈ ની ગેરહાજરી નો લાભ ઉઠાવી અગાઉથી જ બનાવેલ ડુપ્લીકેટ ચાવી વડે તેઓના ઘરનો લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ઘરના કબાટનો લોક તોડી તેમાંથી સોના ના ઘરેણા તેમજ રોકડ રકમ મળી 20.7 લાખ ની મત્તા પર હાથફેરો કર્યો હતો. જે કબુલાત આરોપીએ પોલીસ પૂછપરછ માં કરી હતી.

આમ ,વરાછા પોલીસે  ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને જેલ હવાલે કરી દીધો હતો. જોકે આ ઘટનાએ લોકોમાં એક પ્રશ્ન ચોક્કસથી ઊભો કર્યો છે કે ભરોસો કરાય તો કોના પર કરાય ? કારણ કે કૌટુંબિક સંબંધી જ સંબંધીના ઘરે ચોરીની ઘટનાને અંજામ આપે તો ઘરના સભ્યો કઈ રીતે વિશ્વાસ અને ભરોસો મૂકી શકે તેવી ચિંતા હવે લોકોને સતાવી રહી છે.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.