સતત ધમધમતા ઉધના મેઇનરોડ ઉપર આવેલા સિલિકોન શોપર્સમાં આજે સવારે એલઇડી લાઇટના વેપારીની ઓફિસમાં ઘૂસી હેલ્મેટધારી યુવાને પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કરી બહાર મોટરસાયકલ ચાલુ રાખી ઉભેલા સાથી સાથે બેસી પાંડેસરા તરફ ભાગી છુટયો હતો. ગોળી વેપારીના કાન પાસેથી નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં દોડતી થયેલી પોલીસને જે વેપારીની ઓફિસમાં ફાયરીંગ થયું તેની બરાબર સામે ઓફિસ ધરાવતા સિલિકોન શોપર્સ બાંધનાર બિલ્ડર અને તેલના વેપારી ઉપર ફાયરીંગ પહેલા રૂ ૨ કરોડની ખંડણી માંગતો ફોન આવ્યાની તેમજ ફાયરીંગ બાદ ધમકીભર્યો ફોન આવ્યાની વિગતો સાંપડતા પોલીસે બંને બનાવોને સાંકળી તપાસ શરૂકરી છે.
પોલીસ સીસીટીવી ફૂટેજ અને ખંડણી-ધમકીનો ફોન જે નંબર ઉપરથી આવ્યો તે નંબરના આધારે તપાસ કરી રહી છે. બનાવ સંદર્ભે પોલીસ સૂત્રો તેમજ ઘટનાસ્થળે હાજર સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને ઉધના સાઉથઝોન ઓફિસ પાસે ચંદનવન સોસાયટીમાં રહેતા ૪૪ વર્ષીય અશોકભાઇ બાલચંદ શાહ ઉધના મેઇનરોડ સિલિકોન શોપર્સની દુકાન નં. જી-૪૨માં પૂજા સેલ્સના નામે એલઇડી લાઇટનો વેપાર કરે છે.
મંગળવારે આશરે સવારે 10.50 વાગ્યાના અરસામાં અચાનક હેલ્મેટ પહેરીને અજાણ્યો તેમની ઓફિસમાં પ્રવેશ્યો હતો અને તેમના ઉપર નાની પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કરી ભાગી છુટયો હતો. અશોકભાઇ નીચા નમી ગયા હતા છતાં એક ગોળી તેમના કાન પાસેથી પસાર થઇ ગઇ હતી. ફાયરીંગમાં આબાદ બચી ગયેલા અશોકભાઇએ બહાર નીકળી ચોર ચોરની બૂમો પાડતા લોકો એકત્ર થઇ જતાં તેમણે ફાયરીંગની વાત કરતા ત્યાં હાજર સિલિકોન શોપર્સ બાંધનારા પૈકી એક તેમજ સિલિકોન શોપર્સમાં જ જી/૩૯/એમાં મહાવીર સેલ્સના નામે તેલનો વેપાર કરતા ભીખમભાઇ ગીસુલાલ જૈને થોડા સમય અગાઉ જ મોબાઇલ ફોન ઉપર બે ખોખાની (રૃ. ૨ કરોડ) ખંડણી માંગતો ફોન આવ્યાની વાત કરી હતી.
બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ઉધના પોલીસ, ક્રાઇમ બ્રાંચ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૃ કરી હતી. તે વેળા ભીખમભાઇ પર ખંડણી માટે ધમકીના કોલની વિગતો મળતા પોલીસે બંને બનાવોને સાંકળી તપાસ શરૃ કરી હતી. પોલીસને સિલિકોન શોપર્સના જુદા જુદા સીસીટીવી ફૂટેજ મારફત નંબર વિનાની બાઇક પર ભાગેલા હુમલાખોરોની શોધખોળ શરૃ કરી હતી. જેમાં તેઓ પાંડેસરા તરફ ભાગ્યાની વિગતો મળી હતી. ફૂટેજ અને ખંડણી ધમકીનો ફોન આવ્યો હતો તે નંબરના આધારે તપાસ આગળ ધપાવાઇ છે. તેમજ અશોકભાઇ શાહની ફરિયાદના આધારે હત્યાનો પ્રયાસ, ખંડણી અંગેનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પી. આઇ. એ.પી. પરમાર કરી રહ્યાં છે. ફાયરીંગ બાદ બિલ્ડરને ધમકી, ફટાકડીનો અવાજ સંભળાયો ને, હવે તારો વારો છે વેપારી પર ફાયરીંગ પહેલા બિલ્ડરને કોલ કરી કહેલું, દો ખોખા તૈયાર રખના, બિલ્ડરે પૂછેલું કાગઝ કે યા રદ્દી કે અશોકભાઇ પાસેથી ઘટનાની વિગતો મેળવ્યા બાદ પોલીસે ભીખમભાઇની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ફાયરીંગની ૨૦ મિનીટ અગાઉ તેમના મોબાઇલ ફોન ઉપર અજાણ્યા વ્યક્તિએ ફોન કરી રૃ. ૨ કરોડની ખંડણી માંગી હતી.
ફોન કરનારે દો ખોખા તૈયાર રખના તેમ કહેતા ભીખમભાઇએ કાગઝ કે યા રદ્દી કે તેમ કહ્યું તો ફોન કરનારે તું જો સમજે વો કહી ફોન કાપી નાંખ્યો હતો. ફાયરીંગના લગભગ અડધો કલાક બાદ ભીખમભાઇ ઉપર ફરી ફોન આવ્યો હતો અને ફોન કરનારે ગુજરાતીમાં ધમકી આપી હતી કે ફટાકડીનો અવાજ સાંભળ્યો ને, હવે તારો વારો છે. ટાર્ગેટ સિલિકોન શોપર્સનો બિલ્ડર, વેપારી પર ફાયરીંગ ભૂલથી કરાયું કે બિલ્ડરને ડરાવવા? ફાયરીંગ- ખંડણીના બનાવમાં પોલીસ હુમલાખોરોએ ભૂલથી એલઇડી બલ્બના વેપારી ઉપર ફાયરીંગ કર્યું હોવાની શક્યતાને ચકાસી રહી છે. એલઇડી બલ્બના વેપારી અશોકભાઇ શાહ અને બિલ્ડર – તેલના વેપારી ભીખમભાઇ જૈનની ઓફિસની બહારનો ભાગ સરખો છે. સરખો કાચ, સરખી સફેદ પટ્ટીને લીધે કદાચ હુમલાખોરોએ ગુંચવણમાં ભીખમભાઇને બદલે અશોકભાઇ ઉપર ફાયરીંગ કર્યું હોવાનું પોલીસ માની રહી છે.
મોંઢે બુકાની, નીચે બાઇક ચાલુ રાખી બે જણા તૈયાર છતાં ભૂલ કેમ કરી? ફાયરીંગ માટે નંબર વિનાની પેશન મોટરસાયકલ ઉપર આવેલા બે પૈકી ફાયરીંગ કરનાર ૩૫-૪૦ વર્ષના અજાણ્યાએ પેન્ટ-શર્ટ પહેર્યા હતા અને માથે હેલ્મેટ પહેરી રાખી હતી તેમજ મોંઢે રૃમાલ બાંધેલો હતો. જ્યારે મોટરસાયકલ ચાલુ રાખી બહાર તેની રાહ જોતા ઉભા રહેલા તેના સાથીએ હાફપેન્ટ અને લાઇનીંગવાળો શર્ટ પહેર્યો હતો. તેણે માથે કાળી ટોપી પહેરી હતી અને મોંઢા ઉપર રૃમાલ બાંધ્યો હતો. પોલીસને આશંકા છે કે રેકી કર્યા વિના આવેલા બંનેએ ભૂલથી અન્ય વ્યક્તિ ઉપર ફાયરીંગ કરતાં તેઓ કદાચ નવા નીશાળીયા છે. નાણાંકીય લેતી-દેતી જવાબદાર હોવાની આશંકા બિલ્ડર- તેલના વેપારી ભીખમભાઇને ધમકીભર્યો ફોન કર્યા બાદ બનેલી ફાયરીંગની ઘટનામાં પોલીસ ખંડણીને બદલે નાણાંકીય લેતી-દેતી કે અન્ય કોઇ વિવાદને જવાબદાર માની રહી છે.
ભીખમભાઇને ગભરાવવા ખંડણી માટે ફોન કરી ફાયરીંગ કરાયું હોય તે શક્યતાને ધ્યાનમાં રાખી પોલીસ તપાસ કરી રહી છે. અશોકભાઇની પૂછપરછ વેળા જ ભીખમભાઇ પર બીજો કોલ પોલીસ સિલિકોન શોપર્સમાં પહોંચી અશોકભાઇની ઓફિસમાં તપાસ કરતી હતી તે સમયે જ ખંડણી માટેનો ફોન કરનારે ફરી ભીખમભાઇને ફોન કરી પૂછ્યું હતું કે, ફટાકડીનો અવાજ સાંભળ્યો ને? હવે સાંજે તારો વારો છે. ભીખમભાઇએ આ અંગે તરત પોલીસને જાણ કરી હતી. ઘટના પાછળ કોઇક રાજસ્થાનીની સંડોવણી મૂળ રાજસ્થાનના વતની ભીખમભાઇને ધમકીભર્યો ફોન કરી ફાયરીંગ માટે બે પંટરોને મોકલનાર વ્યક્તિ રાજસ્થાની જ હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી છે.