- બેંક સ્ટેટમેન્ટ સહિત 60 હજારનો મુદામાલ કબજે કર્યો
- સાયબર ક્રાઇમે આ બાબતે ચોકબજાર પોલીસમાં ગુનો નોંધાવ્યો
સુરતના સીંગણપોરના સિલ્વર સ્ટોન આર્કેડમાં વિદેશ મોકલવાના નામે એજન્ટ વિશાલ વઘાસીયાએ સીને ઇમિગ્રેશન નામે ઓફિસ ખોલી હતી. વિશાલ 2 વર્ષથી 9 હજારના માસિક ભાડે આ ઓફિસ ચલાવતો હતો, જેમાં યુવકોને સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ વિઝા અને વિઝિટર વિઝા પર વિદેશ મોકલવાના સપનાં બતાવાતા હતાં. યુવકોને વિશાલ અને તેના સાગરિતોએ બોગસ બેંક સ્ટેટમેન્ટ, નકલી જોબ ઓફર લેટર અને બોગસ એર ટિકિટ પધરાવી લાખોની રકમ પડાવી લીધી હતી. આ રેકેટના સૂત્રધાર સહિત બે એજન્ટો ઝડપાયા છે. પોલીસે મોબાઇલ, લેપટોપ, 15 બેંકોના રાઉન્ડ સીલ, રૂપિયાની સ્લિપ-19, ડેબિટ કાર્ડ-4, પાનકાર્ડ-3, ચેકબુક-4, 6 ભાડા કરાર, બેંક સ્ટેટમેન્ટ સહિત 60 હજારનો મુદામાલ કબજે કર્યો છે. સાયબર ક્રાઇમે આ બાબતે ચોકબજાર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. આ ગુનામાં 2 આરોપીની ધરપકડ થઈ છે. જ્યારે મુંબઈનો એજન્ટ રણજીત રામધારીને વોન્ટેડ જાહેર કર્યા છે.
વિશાલ અને જોબ કન્સલ્ટન્સીનું કામ કરતા નિશાંતે 12 યુવકોને વિદેશ મોકલવાની વાત કરી હતી, જેમાં એક પાસેથી 3.50 લાખ પડાવ્યા હતા. નિશાંતે મુંબઈના રણજીત સાથે વિશાલનો સંપર્ક કરાવ્યા બંને એજન્ટ યુવકોને 3.50 લાખમાં વિદેશ મોકલવાની વાત કરી બોગસ ઓફર લેટર તેમજ એર ટિકિટ આપતા હતા, જેમાં બોગસ ઓફર લેટર અને એર ટિકિટ મુંબઇથી રણજીત મોકલતો હતો. આ માટે બંને એજન્ટોને 50 હજાર કમિશન મળતું અને 3 લાખ રણજીતને મોકલી આપતા હતા.
એજન્ટ વિશાલે 15 મોટી બેંકોના સિક્કા બનાવી મેનેજર તરીકે પોતે જ સહી કરતો હતો. જે સ્ટુડન્ટ પાસે પૂરતું બેલેન્સ હોય તેવા ખાતાના સ્ટેટમેન્ટની પીડીએફ મંગાવી લેતો હતો. પછી સ્ટુડન્ટ સાથે રૂપિયા આપવાનું સેટિંગ કરી લેતો હતો. સ્ટુડન્ટનું બેંકમાં બેલેન્સ ન હોય છતાં એજન્ટ ‘આઈ લવ પીડીએફ વેબસાઇટ’માં જઈ એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં ઍડિટિંગ કરી તેમાં 8થી 10 લાખનું બેલેન્સ બતાવી દેતો હતો. વિશાલ સ્ટુડન્ટ દીઠ 40 હજાર લેતો હતો. અત્યાર સુધીમાં તેણે 50થી વધુ સ્ટુડન્ટોને બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવી આપ્યાની કબૂલાત કરી છે.