સુરત સમાચાર
સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઉભું કરી ઇન્ટરનેશનલ કોલ ને લોકલ કોલમાં તબદીલ કરવાના ચાલતા રેકેટનો ગુજરાત એટીએસ અને સુરતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશનની ગાઇડલાઇનનો ભંગ કરી ચલાવવામાં આવતા રેકેટમાં બે આરોપીઓની 2.48 લાખની કિંમતના મુદ્દામાલ સાથે ધરકપડ કરવામાં આવી છે.જ્યારે દુબઈ રહેતા આરોપી સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.
દેશ -વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુજરાત એટીએસ દ્વારા બાઝ નજર રાખવામાં આવી રહી છે.દેશને આર્થિક રીતે નુકશાન પોહચાડવાના કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા એટીએસ દ્વારા ભારે કમર કસવામાં આવી છે.જે અન્વયે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે.સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ગાઈડલાઈન નો ભંગ કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલ માં તબદીલ કરવાનું રેકેટ ચાલી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી.જે માહિતીના આધારે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિધરપુરા ખાતે ચાલતા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ પર છાપો માર્યો હતો.જ્યાંથી ISD કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચલાવતા સૌરભ ચિન્મય સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બીપીનચંદ્ર ટોપીવાળાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.મહિધરપુરા સ્થિત ભવાની વડ ખાતે આવેલા “ભવાની વિલા”ના ત્રીજા માળે છાપો મારી પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના 28 જેટલા સીમકાર્ડ લગાવેલ સિમ બોક્સ, ફાયરવોલ સહિત 2.48 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.જે આરોપીઓ વિરુદ્ધ સૂરત ક્રાઇમ બ્રાન્ચ માં ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
આરોપીઓ દ્વારા ટેલિફોન એક્સચેન્જના નિયમ” ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટનો ભંગ કરવામાં આવ્યો હતો.જે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવવાથી દેશના અર્થતંત્રને પણ ખૂબ જ મોટું નુકશાન થાય છે.એટલું જ નહીં પરંતુ દેશની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થાય છે.જ્યાં ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચાલતા રેકેટનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરવાના આવી છે.જ્યાં આરોપીઓ પાસેથી સીમ બોક્ષ, અલગ-અલગ કૂલ-૩૧ સીમ કાર્ડ, ફાયરવોલ, CPU, ડેસ્કટોપ સ્વિચ, બે લેપટોપ તેમજ LAN કેબલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ ગુનામાં સંડોવાયેલ અને ફરાર આરોપી જીગર ટોપીવાળા ક્રિકેટ સટ્ટાકાંડનો આરોપી છે. જ્યાં પોલીસે જીગર ટોપવાળાની સાથે સાથે વોઇટેક કંપનીના ટેકનિશિયન અનુપ સહિત અન્ય બે શખ્સોને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.