Surat: ચેઇન સ્નેચિંગ અને વાહનચોરીના ગુનાહિત ભૂતકાળ ધરાવતા કોસાડ આવાસના 21 વર્ષીય યુવકે 30 ઓગસ્ટે બપોરે પંડોળ વિસ્તારમાંથી બપોરે એક બાઈક ચોરી કર્યાના બે કલાકમાં 8 કિમી વિસ્તારમાં આઠ વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક મચાવ્યો હતો. ત્યારે ભોગ બનેલા લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી આવતાં કતારગામ પોલીસે ફૂટેજને આધારે સ્નેચરને દબોચી લઇ આરોપી પાસેથી 83 હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન તથા બાઈક પણ કબ્જે કરી હતી.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે
ગત 30મીએ બપોરે બે વાગ્યાથી એક પ્લેટીના બાઈક પર સવાર ગઠિયાએ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. ચોકબજાર પારસ સોસા., પાસેથી વસ્તાદેવડી રોડ, કતારગામ, સુમુલ ડેરી રોડથી મહિધરપુરા વિસ્તારના ત્રણ પોલીસ મથકના આઠ કિમી વિસ્તારમાં રૂટ ઉપર જે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી દેખાય તેનો ફોન આંચકી લેવાયો હતો.
પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કરાઈ કામગીરી
બે જ કલાકના સમયગાળામાં આઠ વ્યક્તિના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે ભોગ બનેલા લોકો આ ત્રણેય પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા. લોકોની કાગારોળ વચ્ચે પોલીસે સીસીટીવી ચેક કરતાં કતારગામ પોલીસ આ શખસને ઓળખી ગઈ હતી. ઉત્રાણમાં બે ગુનામાં થોડાક સમય પહેલાં જ પકડાયેલો અને કોસાડ આવાસમાં રહેતો સુમિત ઉર્ફે ગોલુ મદનમોહન સહાની (ઉં.વ. 21)ને પોલીસે ઊંચકી લીધો હતો. સુમિતની પાસેથી પોલીસે ચોરીના મનાતા 83 હજારની કિંમતનાં આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા હતા. જે બાઈક તેની પાસેથી મળી હતી તે પણ તેણે એક કલાક પહેલાં જ ચોક બજારના પંડોળ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.