સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે, સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભેગા થઈ, થાળી વગાડવાનો કાર્યક્રમ કરીને વિવિધ અધિકારીઓને રજૂઆતો કરી હતી. મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્નો અને માંગણીઓ છે તે તમામનું તાકીદે નિવારણ થાય તે માટે મુદ્દાસર રજૂઆતો કરી હતી. ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડો. રાજેન્દ્ર પટેલ, ડેપ્યુટી કમિશનર આર.બી ભોગાયતા, એડિશનલ સીટી ઇજનેર જતીન દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળીને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.
તેમજ આ પ્રશ્નોનોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી.સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળના પ્રમુખ મહંમદ ઈકબાલ શેખ, ઉપપ્રમુખ ભરત ઠાકુર, મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ, મંત્રી દિલીપ દેસાઈ, મંત્રી મનીષ કહાર,મંત્રી રવિ ઠક્કર, ખજાનચી નિમેષ પ્રજાપતિ તેમજ કારોબારી સભ્ય શોએબ શેખ, જાકીરાબાનું પઠાણ, જયપ્રકાશ વાઘેલા, સંજય પરમાર, સુદામા કોળી, મનહરસિંહ ઝાલા, રોશની મોદી, પાલજી કાનપરિયા, મનોજ સોની, ક્રિષ્ના પાટીલ, જ્યોતિ ચૌધરી તેમજ અન્ય સભ્યો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં સિક્યુરિટી સ્ટાફ દ્વારા આંદોલનકારીઓને રોકવામાં આવતા,આંદોલન કારી સાથે સિક્યુરિટી સ્ટાફનો ઘર્ષણ પણ થયું હતું.
પરંતુ યુનિયનના હોદ્દેદારોએ આવી રજૂઆત કરવાનો પોતાને અધિકાર છે,એવું જણાવી દરેક અધિકારીની કેબિન બહાર પણ થાળીઓ વગાડી સૂત્રોચાર કરીને રજૂઆતો કરી હતી. તમામ પ્રશ્નનો નિરાકરણ તાકીદે આવે,એવી ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી કેડરમાં વર્ગ એક, બે, ત્રણમાં ફરજ બજાવતા ક્લાર્કને તાકીદે બઢતી આપવામાં આવે તેમજ રૂપિયા 4200 નો ગ્રેડ આપવામાં આવે, આરોગ્ય ખાતામાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન તાકીદે આપવામાં આવે, જે કર્મચારીઓને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવેલા છે તેઓને તાકીદે ફરજ પર લેવા, આંગણવાડી વિભાગમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોને મુખ્ય સેવિકામાં કાયમી નિમણૂક આપવી, ફાયર અને ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવરોને, ડ્રાઇવર કમ પંપ ઓપરેટર તરીકે નિમણૂક આપવી, માર્શલોને વર્ગ ચારમાંથી વર્ગ ત્રણમાં સમાવી લેવા, ટેકનિકલ વિભાગમાં જુદા જુદા હોદ્દા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને ડેપ્યુટી, આસિસ્ટન્ટ ઇજનેર અને સુપરવાઇઝર તરીકે બઢતી આપવી,જે કર્મચારીઓએ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પાસ કરેલ છે.
તેઓને સેનીટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવી, મહાનગરપાલિકા માંથી પરત નિવૃત્ત થયેલ કર્મચારીઓને ઓળખપત્ર આપવા, ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવતા ટેકનીકલ આસિસ્ટન્ટ અને અન્ય કર્મચારીઓને સેફટી શુઝ તથા અન્ય જરૂરી સાધનો આપવા, ઈજનેરી તથા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઇવરોના યુનિફોર્મની કોલેટી તથા કલર બદલવા, વીબીડીસી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોમાસા દરમિયાન સતત ચાર માસ સુધી ફરજ બજાવેલ છે જે વધારાની ફરજના જમા થયેલ ઓફ તાકીદે આપવા માટે તેમજ 65 જેટલા પ્રશ્નો અંગેની ભારપૂર્વક રજૂઆત રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર: ભાવેશ ઉપાધ્યાય