- કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી
- કોર્ટમાંથી રોકડ રકમનો મુદ્દામાલ છોડાવીને પોલીસે ફરિયાદીને પરત કર્યો
સુરત ન્યૂઝ : સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગર સોસાયટીમાં 17 તારીખે એક ઘરમાં ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક મિત્ર દ્વારા જ પોતાના મિત્રના ઘરમાંથી રૂપિયાની ચોરી કરાવવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પણ ચોરી કરાવનાર ફરિયાદીની સાથે ફરિયાદ લખાવવા ગયો હતો. પોલીસને શંકા જતા તેની ઉલટ પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને રોકડ રકમ સાથે ચોરી કરાવનાર અને ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે કોર્ટમાંથી રોકડ રકમનો મુદ્દામાલ છોડાવીને પોલીસે ફરિયાદીને પરત કર્યો છે. 4.35 લાખની રકમ ફરિયાદીને પરત કરવામાં આવી છે.
સમગ્ર ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો 4 એપ્રિલ 2024ના રોજ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા ચંચલ સિંહના ઘરમાંથી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને આ બાબતે ચંચલ સિંહ અને તેનો મિત્ર સુનિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા.
ફરિયાદ દરમિયાન ચંચલસિંહ દ્વારા પોલીસને શરૂઆતમાં ખોટી માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને શંકા જતા પોલીસે ચંચલસિંહની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચંચલસિંહ સાથે રહેતા તેના મિત્ર સુનિલ દ્વારા જ તેને ખોટી માહિતી આપવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શંકાના આધારે પોલીસે સુનિલ ઉર્ફે કાલુની પૂછપરછ હાથ ધરી હતી.
સુનિલે પોલીસને જણાવ્યું હતું કે ચંચલસિંહના ઘરમાં રોકડા રૂપિયા પડ્યા હોવાની માહિતી તેની પાસે હતી. આ પૈસાની ચોરી કરાવવા માટે તેને મનોજ નામના વ્યક્તિને 20,000 રૂપિયા આપ્યા હતા અને ઘરની અંદરથી જ પૈસા ભરેલી બેગની ચોરી કરાવી હતી. ત્યારબાદ આ બેગને એક ખેતરમાં જમીનમાં દાટી દીધી હતી. ચોરી કર્યા બાદ મનોજ ઓળખાય ન જાય એટલા માટે તેને પોતાના વાળ પણ કપાવી નાખ્યા હતા અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરી કરનાર મનોજ અને ચોરી કરાવનાર સુનિલ ઉર્ફે કાલુની રોકડ રકમ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
મહત્વની વાત છે કે, આ સમગ્ર ઘટનામાં ફરિયાદી શાકભાજીનો ધંધો કરે પરિવારનો ગુજરાન ચલાવતો હતો અને તેને નાણાની આર્થિક રીતે ખૂબ જ જરૂરિયાત હતી. તેથી પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે કબજે કરવામાં આવેલી રકમ 4,35,000 કોર્ટમાંથી છોડાવીને સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ મુહીમ ચલાવવામાં આવી રહી છે તે મુહિમ અંતર્ગત પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને આ રકમ પરત કરી હતી.
ભાવેશ ઉપાધ્યાય