દક્ષિણ ગુજરાતની વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દી સારવાર માટે આવે છે. જેમાં કેટલાક દર્દીઓને દાખલ કરવામાં આવે છે. અહીંના ઓપરેશન થિયેટરમાં ઇમર્જન્સી સહિત નાના-મોટી મળી રોજની 100 જેટલી સર્જરી કરવામાં આવી રહી છે. દર્દીઓને ઇન્ફેક્શન નહીં લાગે અને ડોક્ટર સારી રીતે ઓપરેશન કરી શકે તે માટે સરકાર દ્વારા કરોડો રૃપિયાના ખર્ચે વિવિધ વિભાગો માટે ૯ મોડયુલર, ૯ સેમી મોડયુલર અને અન્ય સાદા ઓપરેશન થિયેટર બનાવેલા છે.
કેટલાક ઓપરેશન થિયેટરમાં ફોલ સીલિંગ તુટેલુ, ફ્લોરિંગ તૂટેલા, હાથ ધોવાના ટેબલમાં પાણી લીકેજ, પાણી ઉભરાવવા, દરવાજાના કાચ તુટેલો, અમુક દરવાજા બરાબર બંધ નહીં થાય સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. આ સ્મસ્યાઓને પગલે દર્દીઓને ઇન્ફેક્શન લાગવાની શક્યતા, ડોક્ટરોને ઓપરેશન કરવામાં તકલીફ પડી રહી હોવાનું જાણવા મળે છે.
સિવિલના અધિકારીએ કહ્યું કે, અગાઉ તમામ ઓ.ટીમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. જેમાં નાની-મોટી મળી ઘણી ખામીઓ જાણવા મળી હતી. તેથી તાકીદે રીપેરીંગ કરવા માટે પી.આઇ.યુ વિભાગને સુચના આપી હતી. બાદમાં રાજ્યના આરોગ્ય અધિકારીને પણ જલ્દી રીપેરીંગ કરાવવામાં આવે તે અંગે જાણ કરવામાં આવી હતી.