- 9 વર્ષની બાળકીના હાથનું દાન કરી અન્ય યુવતીને અપાયો હાથ
- હાથ સહીત અન્ય અંગો દાન કરી સાત વ્યક્તિઓને આપ્યું નવજીવન
સુરતની હોસ્પીટલમાં મૃત જાહેર કરાયેલી 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન કરાવામાં આવ્યું હતું. જે સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉમરની એટલે કે 9 વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌ પ્રથમ ઘટના હતી. આ પરિવારે પોતાની 9 વર્ષીય દીકરીના હાથ સહીત ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું. જેમાંથી દાન કરાયેલ હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરીને મુંબઈની કિશોરીને હાથ આપવામાં આવેલ છે. ખભાના સ્તરથી વિશ્વનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું.
જેમાં દાન કરાયેલા રિયાના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોરેગાવ, મુંબઈની રહેવાસી 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડૉ. નિલેશ સાતભાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં ખભાના સ્તરથી વિશ્વનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. આ 15 વર્ષીય કિશોરી અનંતા અહેમદ 30 ઓક્ટોમ્બર 2022ના રોજ દિવસે અલીગઢ, ઉત્તરપ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી, ત્યારે અકસ્માતે 11000 કિલોવોટનો વાયર પકડી લેતા તેના બંને હાથ દાજી ગયા હતા. જમણા હાથમાં ગેગરીન થઈ જવાને કારણે તેનો જમણો હાથ ખભાના સ્તરથી કાપી નાંખવો પડ્યો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખુબ જ ઓછું થઇ ગયું હતું.
ત્યારે સમગ્ર મામલે અનંતા અહેમદે જણાવ્યું હતું કે, 2022 માં મારી સાથે જે ઘટના બની ત્યારબાદ મેં મારો જમણો હાથ ગુમાવી દીધો હતો. જોકે હિંમત હારી ન હતી. હું કહીને કંઈ એક્ટિવિટી કર્યા જ કરતી હતી. ડાન્સ, સ્વિમિંગ અને લોકોને મોટીવેટ કરવાનું કામ કરતી હતી. જેનાથી હું ખુશ થતી હતી. પણ મારામાં કંઈ ખોટતું હતું. મારી પાસે એવું કોઈ રીઝન નહોતું કે જેનાથી હું એકદમ ખુશ થઈ જાવ કે જેનાથી મારુ મોરલ અપ થઈ જાય. હું ઘણા હોસ્પિટલમાં ગઈ હતી જોકે મને નેગેટિવ રિસ્પોન્સ મળતા હતા.
ડોક્ટર નિલેશ નો એક દિવસ મેસેજ આવ્યો અને મારા હાથના ટ્રાન્સપ્લાન્ટ ની જવાબદારી લીધી હતી. આ ટ્રાન્સપરન્ટ થયા બાદ ખૂબ જ કેર રાખવી પડે તે પ્રકારની મને માહિતી આપવામાં આવી હતી. એ દિવસ મારા માટે લકી એસ્ટ દિવસ છે. મેં ડોક્ટરને કહેલું કે ગમે તે થાય તમે મારો હાથ ટ્રાન્સપ્લાન્ટ કરી આપો. ત્યારે મને ડોક્ટરે કહેલું કે હું તમારો હાથ ટ્રાન્સપ્લાન્ટ કરીને જ આપીશ. ત્યારથી મારામાં હોપ ઉજાગર થયો અને મને હાથના ડોનર મળી ગયા. ત્યારે આ અંગે કિશોરી એ જણાવ્યું હતું કે, રિયાનો પરિવાર પણ મારો જ પરિવાર છે. રિયાના હાથના દાનને કારણે મારા જમણા હાથનું ખભાના સ્તરથી ટ્રાન્સપ્લાન્ટ થયું, તે હાથથી આવતા વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે રિયાના ભાઈને રાખડી બાંધીશ.
ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા તે કિશોરી અને તેના માતા-પિતા એ જણાવ્યું હતું કે, ડોનેટ લાઈફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીને, અંગદાન કરાવવાનું જે કાર્ય કરે છે, તેને કારણે અમારી પુત્રી જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે ડોનેટ લાઈફ સંસ્થા એક માધ્યમ છે. આ જ રીતે સમાજમાં અંગદાનની વધુને વધુ જનજાગૃતિ ફેલાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપતા રહો તેવી લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી.