જીએસટી વિરોધમાં ફરી સૂરત કાપડ માર્કેટના વેપારીઓ ત્રણ દિવસ બંધ પાળીને વિરોધ નોંધાવી રહ્યાં છે. વેપારીઓનું કહેવું છે કે જીએસટી માત્ર યાર્ન પર વન ટાઈમ હોય તો જ મંજૂર થશે.. સૂરતની કાપડ માર્કેટ ત્રણ દિવસ બંધ રહેવાની હોવાથી 400 કરોડથી વધુનું નુકશાન થવાની ગણતરી છે.
ઓલ ઇન્ડિયા જીએસટી સંઘર્ષ સમિતિએ 27 થી 29 જૂન હડતાળ પાડી છે. ટેક્સટાઇલને રાહત તેમ જ કાપડને જીએસટી મુક્તની માગણી કરતાં આ હડતાળ કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ માર્કેટ બંધ રાખ્યા બાદ 30મી જૂને માર્કેટ ફરી ખોલવામાં આવશે અને તમામ વેપારી હાથ પર કાળી પટ્ટી બાંધી કાળો દિવસ ઉજવશે.હડતાળના પ્રથમ દિવસે આજે વેપારીઓએ સરકારને સદબુદ્ધિ સૂઝે અને ધંધાવેપાર પર માઠી અસર ન થાય તે માટે હવન કરાવ્યો હતો.
સંઘર્ષ સમિતિનું કહેવું છે કે જો જીએસટી માત્ર યાર્ન ઉપર વન ટાઈમ રાખવામાં આવે તો આ પદ્ધતિ ઉદ્યોગ અને તેની જોડાયેલા લોકો માટે સરળ રહેશે અને માન્ય રખાશે.. સૂરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં 165 માર્કેટો સાથે 75 હજારથી વધુ વેપારીઓ સંકળાયેલા છે.. એક દિવસ માર્કેટ બંધ રહે તો ૧૨૫ કરોડનું નુકશાન થાય છે અને ૩ દિવસ બંધ રહેવાથી ૪૦૦ કરોડથી વધુનું નુકશાન થવાની શક્યતા છે.. આ ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ વેપારીઓ માટે સફળ રહેશે કે નહીં અને સરકાર કોઈ નિરાકરણ લાવશે કે નહી તેના પર સૌ વેપારીઓની નજર છે.