સુરત સમાચાર
સુરતના કતારગામ વિસ્તારમાં ઉતરાયણની મોડી સાંજે કેટલાક ટપોરીઓએ જાહેરમાં આતંક મચાવ્યો હતો.આ અસમાજિક તત્વો દ્વારા હાથમાં ચપ્પુ લઇ જાહેરમાં ગાળાગાળી કરી વગર વાંકે રસ્તા પર લોકોને ચપ્પુના ઘા માર્યા હતા.કોઈને પીઠ પર તો કોઈને થાપા તો કોઈને પગ પર ઘા મારતા લોકો લોહીલુહાણ થઈ ગયા હતા.ટપોરીઓએ રિક્ષામાં આવ્યા હતા અને બિન્દાસ ધમાલ મચાવી ફરી રીક્ષામાં પરત ભાગી ગયા હતા. આ સમગ્ર બનાવનો વિડીયો મોબાઇલમાં બનાવ્યો હતો જે વાયરલ થતા સામે આવ્યો છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર ત્રણ ટપોરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના કતારગામમાં આવેલા જેકે નગર નજીક ઉત્તરાયણની રવિવારની મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં ધમાલ મચાવી હતી.આ અસામાજિક તત્વોએ જાહેરમાં ગાળાગાળી કરી ત્રણ નિર્દોષ રાહદારી સહિત ચાર વ્યક્તિઓને ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. પારિવારિક ઝઘડામાં એક વ્યક્તિ પર જાહેરમાં કરાયેલા હુમલા બાદ લોકો ભેગા થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો.જેને લઇ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.ત્યારે હુમલાખોરોની આ ધમાલનો મોબાઇલમાં બનાવેલ વિડીયો પણ વાયરલ થતા સામે આવ્યો છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઝગડો પરિવારિક હતો. એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકને ફોન કરી ને બોલાવતા ચાર-પાંચ ઈસમો હાથમાં ચપ્પુ લઈ ને આવ્યા હતા. એટલું જ નહીં પણ જાહેરમાં જ એક યુવાન પર તૂટી પડ્યા હતા. જેને લઈ લોકોની ભીડ ભેગી થઈ જતા હુમલાખોરોએ નિર્દોષ લોકો પર તૂટી પડ્યા હતા. સામે જે દેખાયા તેને ઘા મારી જમીન પર પાડી દેતા હતા. કોઈને પીઠ પર તો કોઈને થાપા કે પગ પર ઘા મારતા લોકો લોહીના ખાબોચિયામાં પડેલા દેખાયા હતા.
જાહેરમાં ચાર લોકોને ઘાયલ કરી હુમલાખોરો બિન્દાસ્ત ફરી એજ રિક્ષામાં ભાગી ગયા હતા. જ્યારે જમીન પર પડેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.પ્રમુખ કિશોરભાઈ પ્રજાપતિ,નરેશભાઈ બાબુભાઇ કાનાણી,મનસુખભાઇ ભુપતભાઇ ભાટી સહિત અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.
આ હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત પ્રમુખ કિશોરભાઈ પ્રજાપતિ (ઉં.વ.17, રહે ચીકુવાડી ધનમોરા કતારગામ) ના પરિવારે જણાવ્યું હતું કે ફોન પર જાણ થઈ કે દીકરાને કોઈ એ ચપ્પુ માર્યું છે. આ સાંભળી હોંશ ઉડી ગયા હતા. દોડીને ગયા તો દિકરો જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. તાત્કાલિક સારવાર માટે લઈ ગયા. દીકરો રત્નકલાકાર છે. ચાર સંતાનોમાં ત્રીજા નંબર નો દીકરો છે. ભીડની ધક્કા મુક્કીમાં ચશ્મા પડી ગયા તે લેવા જતા હુમલાખોરોનો ભોગ બન્યો હતો. તેઓ મૂળ ભાવનગરના વતની છે.
નરેશભાઈ બાબુભાઇ કાનાની (ઉં.વ.37, રહે ખોડીયાળ નગર કતારગામ) ના પરિવારે જણાવ્યું હતું કે તેઓ મૂળ બોટાદના વતની છે. પત્ની અને ત્રણ સંતાનો સાથે રહે છે. ફેબ્રિકેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. ઘટના રવિવારની રાતની હતી. ભીડમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે હાથમાં ચપ્પુ લઈ કોઈ ઈસમ તેમની ઉપર તૂટી પડ્યો હતો. થાપાના ભાગે બે ઘા મારી ભાગી ગયો હતો. કોઈ સૂઝબુઝ મળે એ પહેલાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ભાગદોડનો માહોલ બન્યો હતો. લોકોમાં ડર દેખાઈ રહ્યો હતો. હુમલાખોરો ગમે તેમ ચપ્પુ ફેરવી જે હાથમાં આવે એને મારતા હતા.
મનસુખભાઇ ભુપતભાઇ ભાટી (ઉં.વ. 30, રહે જેકે નગર કતારગામ) તેઓ મૂળ મહુવાના વતની છે. સિલાઈ કામ કરી પત્ની અને ત્રણ સંતાનો સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. કામ પરથી ઘરે પરત ફરતી વેળાએ ભીડમાં કોઈએ ઘા મારી જમીન પર પાડી દીધો હતો. હુમલાખોરો રિક્ષામાં આવ્યા હતા અને રિક્ષામાં જ ભાગી ગયા હતા. હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી.
બનાવ અંગે સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરાતા કતારગામ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને જાહેરમાં ધમાલ મચાવનાર અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ કરનાર કતારગામ પોલીસ મથકના પીએસઆઇ આર ડી નીનામાએ જણાવ્યું હતું કે ત્રણ જેટલા યુવકો દ્વારા જાહેરમાં હુમલા કરવામાં આવ્યા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે. ત્રણેયને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જાહેરમાં ટપોરીગીરી કરનાર પાછળ હાલ તપાસ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી ચોક્કસ કારણ જણાવી શકે તેમ નથી તેમ પણ તેમને વધુમાં જણાવ્યું હતું.