૧,૯૨,૭૦૦ કલાકની અખંડ ધુન : ત્રિદિનાત્મક ઓમ નમો ભગવતે સ્વામિનારાયણાય મંત્ર દ્વારા યક્ષનારાયણને ભાવિકો આહુતિ આપશે
સુરત ના વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સ્વામિનારાયણ મહામંત્રનો ૨૧૮મો પ્રાગટ્ય મહોત્સવ તારીખ ૨૨ ને રવિવારના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે . ભગવાન સ્વામિનારાયણે ૨૧૮ વર્ષ પહેલા સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ થયો્
આ પૃથ્વી પર ગુજરાતની ભૂમિથી શરૂ થયેલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો આજે દુનિયાના વિવિધ દેશોમાં છે .સંવત અઢારસો અઠ્ઠાવનના માગશર વદિ એકાદશીને દિવસ સ્વામિનારાયણ ભગવાને જેતપુર અને ધોરાજી પાસે આવેલા ફરેણી ગામે આપેલા મંત્ર ના ૨૧૮ માં પ્રાગટ્ય દિવસે સુરતના વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં વિશેષ ભજન સંકીર્તન તથા સત્સંગનું આયોજન ગુરુકુળના મહંતશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ કરેલું છે.
પ્રભુ સ્વામી ના જણાવ્યા અનુસાર અખંડ ભગવત્ પરાયણ પૂજ્યપાદ જોગી સ્વામીએ સુરત ગુરુકુલમાં ૨૨ વર્ષ પહેલા સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન શરૂ કરાવેલી. જેને સુરત શહેરના પાંચ હજાર ઉપરાંત મહિલાઓ તથા પુરુષો દિવસ-રાત ચલાવી રહ્યા છે. જ્યાં છેલ્લી૧,૯૨,૭૦૦ કલાકથી સંપ્રદાયના ગૌરવરૂપ સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન ચાલી રહી છે તે ધૂન મંડપનું પૂજન કરવામાં આવશે .
ધૂન મંડપના અભિષેક માટેનું જળ તારીખ ૨૨ ને સાંજે ૫:૩૦ કલાકે૧૦૮ કાવડ દ્વારા લાવવામાં આવશે .૭:૦૦ સાત વાગે મંત્ર સંકીર્તન નગરયાત્રા નીકળશે . ૯:૦૦ કલાકે ધૂન મંદિરનો ૧૧ કરોડ મંત્ર જાપ થી પૂજન અર્ચન સંતો કરશે. ૯:૩૦ વાગે સહજાનંદી સભામાં મંત્ર ગુણાનુવાદ તથા બાળકો અને યુવાનો ના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે . આ પૂર્વે અખંડ ધૂનને ૨૨ વર્ષીય પૂર્ણ થતા ૨૨ કલાક અખંડ રાસ તથા ૨૨ કૂડી ગંગાજળાભિષેક ભક્તિ યાગ કરવામાં આવશે. વિશેષમાં આ પ્રસંગે ત્રિદિનાત્મક ઓમ નમો ભગવતે શ્રી સ્વામિનારાયણાય મંત્ર દ્વારા યજ્ઞનારાયણને મહિલાઓ તથા પુરુષ ભાવિકો આહૂતિઓ આપશે.