સુરત, ભાવેશ ઉપાધ્યાય
કોરોના મહામારીના કારણે આર્થિક સંક્ડામણમાં આવી જતા રાંદેર હનુમાન ટેકરી નજીક પ્રિન્સ પાર્કમાં ડો. મીઠાણી હેલ્થ કેર ક્લિનિક નામે દવાખાનું શરૂ કરનાર બોગસ ડોક્ટર ઝડપાયો છે. રાંદેર પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફાર્માસીસ્ટને નોકરી પર રાખી પ્રધાનમંત્રી જન ઔષધિ ચલાવતો હોવાથી દવા સહિતનું મેડીકલનું જ્ઞાન હોવાની તકનો ગેરલાભ લઈ આઠેક મહિના અગાઉ ક્લિનિક શરૂ કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરવાનું શરૂ કર્યુ હતું.
રાંદેર પોલીસને બાતમી મળી હતી કે રાંદેર હનુમાન ટેકરી નજીક પ્રિન્સ પાર્કની દુકાન નં. 2 માં ડો. મીઠાણી હેલ્થ કેર ક્લિનિકના ડો. સમીર ફિરોઝ મીઠાણી (ઉ.વ. 37 રહે. 29, પ્રિન્સ પાર્ક રો હાઉસ, હનુમાન ટેકરી, રાંદેર અને મૂળ. ચોગઠ, તા. ઉમરાળા, જિ. ભાવનગર) ડોક્ટરની બોગસ ડિગ્રીના આધારે પ્રેકટીક કરી લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી રહ્યો છે. જેથી પોલીસ ટીમે દરોડા પાડી સમીર મીઠાણીને ઝડપી પાડી ક્લિનિકમાંથી દર્દીઓની ફાઇલ, પ્રિસ્ક્રિપશનના કોરા લેટર પેડ, મેડીકલ કીટ, દવા વિગેરે કબ્જે લીધું હતું. ક્લિનિકમાં ગુજરાત મેડીકલ કાઉન્સિલ, અમદાવાદ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીનું પ્રમાણપત્ર તથા કતારગામની કિરણ હોસ્પિટલનું આઇ કાર્ડ મળી આવ્યું હતું.
પોલીસે સમીરની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ધો. 12 કોમર્સ પાસ છે અને ઓટોમોબાઇલનો વ્યવસાય કરતો હતો.પાંચેક વર્ષ અગાઉ સુરત આવ્યો હતો અને ફાર્માસીસ્ટને નોકરી પર રાખી પાલનપુર પાટીયા ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ચલાવતો હતો. પરંતુ તે બંધ કરી દીધો હતો. બીજી તરફ કોરોના મહામારીના કારણે આર્થિક સંકડામણમાં આવી જતા પોતાને દવા, બ્લડ પ્રેશર અને સુગર માપવા સહિતનું નોલેજ હોવાનો ગેરલાભ ઉઠાવવા ક્લિનિક શરૂ કર્યુ હતું.
ક્લિનિક માટે તેણે ગુગલ પરથી ગુજરાત મેડીકલ કાઉન્સિલ અમદાવાદ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હીના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી તેમાં ચેડા કરી પોતાના નામનું પ્રમાણપત્ર બનાવ્યું હતું. આ જ રીતે કિરણ હોસ્પિટલમાં પણ વિઝટીંગમાં જતો હોવાના નામે ગેરમાર્ગે દોરવા તેનું પણ બોગસ આઇકાર્ડ બનાવ્યો હતો. હાલમાં પીએસઆઇ યોગેશ ગિરનાર સમીરની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.