- આરોપીએ મિત્રનું અપહરણ કરી હત્યા કરેલ
- આરોપીને હાલ ઉત્તર પ્રદેશ પોલીસ હવાલે કરાયો
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ અંતર્ગત અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના જોનપુર ખાતે બરસાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણિત હત્યાના ગુનામાં ભાગતા પડતા આરોપીની ધરપકડ કરવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. સચિનના પાલી ગામ પાસેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દિપક ઉર્ફે સરકાર હંસરાજ ઉર્ફે વંશરાજ યાદવની ધરપકડ કરવામાં આવી છે
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોરશન સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે, ઉત્તર પ્રદેશના જોનપુર ખાતે આવેલ બરસાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ વિથ હત્યાના ગુનાનો આરોપી સચિન પાલી ગામ પાસે ફરી રહ્યો છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપી દિપક ઉર્ફે સરકારની ધરપકડ કરી છે. તો આરોપી સામે અગાઉ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલો છે.
ધરપકડ બાદ પોલીસે આરોપી દિપક ઉર્ફે સરકારની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, 6 ઓક્ટોબર 2024ના રોજ બરસાઠી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મગરમ ગામની સીમમાંથી વિવેક યાદવ નામના યુવકનું અપહરણ થયું હતું અને ત્યારબાદ 8 ઓક્ટોબર 2024 ના રોજ જિલ્લાના બીરમપુર ગામની સીમમાંથી વિવેક યાદવની લાશ મળી આવી હતી. આ બાબતે વિવેકના પિતા શ્રી શંકર યાદવ દ્વારા બરસાઠી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે વિવેક યાદવ રાજ બહાદુર અને લવકુશ નામના વ્યક્તિનો મિત્ર હતો. 180 રૂપિયાની લેતીદેતીમાં રાજબહાદુર અને લવકુશ તેના માણસો રાજુ યાદવ અને દીપક ઉર્ફે સરકાર પાસે મૃતક વિવેક યાદવનું અપહરણ કરાવ્યું હતું. ત્યારબાદ વિવેક યાદવની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસ સ્ટેશનમાં રાજ બહાદુર, લવકુશ, રાજુ યાદવ અને દીપક યાદવ ઉર્ફે સરકાર તેમજ અન્ય લોકો સામે ગુનો દાખલ થયો હતો. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા દીપક યાદવને સુરત ક્રાઈમ બ્રાન્ચે સચિનના પાલી ગામ પાસેથી ઝડપી પાડ્યો છે અને આરોપીનો કબજો ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.