સુરત સમાચાર
સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી, સુરત ના એકમ નવી પારડી ડેરીને ડેરી ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ-2023 માં ‘પ્રથમ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે.તેમજ સુમુલ ડેરી, સુરત મેઇન પ્લાન્ટને ડેરી ક્ષેત્રે ‘સર્ટિફિકેટ ઓફ મેરિટ’ એનાયત કરવામાં આવ્યું છે.
આ એવાર્ડ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ કે.પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર અરુણભાઈ એચ. પુરોહિતને ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા 14 ડિસેમ્બર,2023 રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે.
ભારતના ડેરી ઉદ્યોગનાં ઈતિહાસમાં સુમુલ ડેરીએ ડેરી ઉદ્યોગના ક્ષેત્રમાં વર્ષ 2023 માં ભારતભરમાંથી મળેલી કુલ 32 ડેરીઓની અરજીઓ સામે સ્પર્ધાના તમામ માપદંડમાં ખરા ઉતરી એક જ વર્ષમાં બે નેશનલ એવોર્ડ મેળવ્યા છે.જેમાં સુમુલ ડેરીના નવી પારડી એકમે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને અર્પણ કરતા સુમુલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે પશુ પાલકોએ સુમુલ ડેરીના વહીવટમાં મુકેલા વિશ્વાસનું આ પરિણામ છે. સુમુલ ડેરીનું નિયામક મંડળ અને અધિકારીઓ હંમેશા પશુપાલકોના હિત માટે સતત કાર્યરત રહે છે.ભારતના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવનારા વર્ષોમાં ભારત ઊર્જા સંરક્ષણ અને ક્લાયમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે.આ એવોર્ડ સુમુલ ડેરી સાથે જોડાયેલા કર્મચારીઓ/અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોટી ભેટ છે.