સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે વાહન વ્યવહાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના વાય જંક્શન પરથી રૂ.2 કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)ની 10 નવીન અદ્યતન વોલ્વો બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી વોલ્વો સુરતથી અમદાવાદ, વડોદરા અને રાજકોટના રૂટ પર આવાગમન કરશે. મંત્રીઓએ વોલ્વો બસચાલકોને પ્રતિકરૂપે બસની ચાવીઓ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ST નિગમની નવીન વોલ્વો દિવાળીના તહેવારમાં રાજ્યના નાગરિકો માટે ન્યૂનતમ ખર્ચ અને મહત્તમ સુવિધા સાથેની અત્યંત આધુનિક સવારી છે. આ બસોને કારણે રાજ્યના મુસાફરો સરળતાથી તેમના ગંતવ્ય સ્થળ, વતન સુધી સપરિવાર મુસાફરી કરી શકશે. તેમજ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર ગામ-શહેરોને જોડતી વધુ બસો શરૂ કરી નાગરિકોની રોજિંદી સુવિધા-સુખાકારીમાં વધારો કરશે એવી કટિબદ્ધતા મંત્રએ દર્શાવી હતી. વધુમાં તેઓએ કહ્યું કે, લોકસુવિધામાં વધારો કરતી હાઈટેક બસોના સુસંચાલન માટે જવાબદાર નાગરિકોનો ફાળો-સહકાર પણ ખૂબ અગત્યનો છે. લોકોની મુસાફરી સરળ બનાવતી આ નવીન બસોને સ્વચ્છ અને સુઘડ રાખવી એ દરેક મુસાફરની નૈતિક જવાબદારી છે. ગૃહ મંત્રી અને વનમંત્રીએ વોલ્વોમાં બેસી આરામદાયક મુસાફરીનો જાતે અનુભવ કર્યો હતો.
ત્યારે અહી નોંધનીય છે કે, ફુલ્લી એરકંડીશન ધરાવતી 13.5 મીટર લાંબી આ વોલ્વો 47 સિટરની કેપેસિટી ધરાવે છે. સાથે પુશ બેક સીટ, ફાયર પ્રોટેક્શન એન્ડ અલાર્મ સિસ્ટમ, cctv કેમેરા, ઈમરજન્સી એકઝીટ સ્ટેરકેસ, પેનિક બટન, મોબાઈલ ચાર્જરની સુવિધા છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવિણ ઘોઘારી, ST વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ આનંદ, એસ.ટી. નિગમના સચિવ રવિ નિર્મલ, સુરત એસ.ટી.ના વિભાગીય નિયામક પી.વી. ગુર્જર, અગ્રણીઓ સહિત ST વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.