- SOG પોલીસે કુખ્યાત ગણાતા કાશ્મીરના અનંતનાગમાંથી આરોપીને પકડી પાડ્યો
- 19 વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તો ફરતો કુખ્યાત ડ્રગ માફિયા ઝડપાયો
સુરતની SOG પોલીસને મોટી સફળતા મળી છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ગુજરાતના સુરતની SOG પોલીસે કુખ્યાત ગણાતા કાશ્મીરના અનંતનાગમાંથી આરોપીને પકડી પાડ્યો છે. છેલ્લા 19 વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ માફિયાને સુરત એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે.પકડાયેલ આરોપી ભારત ભરમાં ચરસનો સપ્લાય કરતો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિઓને નષ્ટ કરવા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ચોરી છુપી રીતે અન્ય રાજ્યોમાંથી સુરતમાં ગેરકાયદેસર ડ્રગ્સ અને માદક પદાર્થો ઘુસેડતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેઓને પકડી પાડવા પણ સુચના આપવામાં આવી છે. ત્યારે સુરતની SOG ટીમ દ્વારા નાર્કોટિક્સના ગુનામાં શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં ઘણા લાંબા સમયથી નાસ્તા કરતા આરોપીની માહિતી એકત્રિત કરી તે ડેટાને એનાલિસિસ કરવામાં આવતું હતું. જેમાં વર્ષ 2006માં દિલ્હી NCB અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેલ્વે મારફતે જમ્મુ કાશ્મીરથી ચરસની મોટી ખેપ મારતી મહિલા સહિત ત્રણ આરોપીઓને 10.250 kg હાઈપ્યોરીટી ચરસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેની કિંમત 10,25,000 હતી.
ત્યારે પોલીસે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ હોટલ સામેથી આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ગુનામાં જે તે સમયે પોલીસે કુલ સાત આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી અને એક લાખ રૂપિયા નો દંડ કરવામાં આવ્યો હતો. આ હાઈ પ્યોરિટી ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો અને તે જે તે સમયે પોલીસ તેને શોધવા જમ્મુ કાશ્મીર ગઈ હતી પરંતુ ત્યાં આતંકવાદી હુમલાના ભય અને ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ હોવાથી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો અને અત્યાર સુધી તે ફરાર હતો.
ત્યારે સમગ્ર મામલે પોલીસે તમામ પ્લાન તૈયાર કરી આરોપીના રહેઠાણ મકાને વહેલી સવારે 5 વાગ્યે રેડ પાડવાની તૈયારી કરી હતી. સુરત એસઓજી પોલીસ અને ત્યાની પોલીસે આરોપી નિશાર અહેમદ ગુલામ નબી દારને ઊંઘમાં જ ઝડપી પાડ્યો હતો.આજુબાજુના લોકોને કાઈ સમજ પડે તે પેહલા જ આરોપીને ઊંધમાંથી જ ઝડપી પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલી વખત ગુજરાત પોલીસ દ્વારા પહેલીવાર કાશ્મીરમાંથી આરોપીને પકડીને લાવ્યા છે . એસઓજી પોલીસે કાશ્મીર એસઓજી પોલીસના 10 જવાનોને સાથે રાખી હાઈટેકનોલોજી હથિયાર સાથે ઘરમાં ઘૂસી આરોપીને પકડી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી જે ગામમાં રહેતો હતો તે આખું ગામ ડ્રગ્સને લઈને કુખ્યાત છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ટ્રકોમાં ચરસ આવતું હતું અને તે ભારતમાં વહેંચતા હતા. એસઓજી પોલીસની ટીમ આ ઓપરેશન કાશ્મીર પાર પાડવા માટે એક અઠવાડિયું ત્યાં રહ્યા હતા અને આરોપીને કુખ્યાત એરિયામાંથી દબોચી લીધો હતો.