સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં લાગેલ આગ 36 કલાક બાદ કાબુમાં આવી છે. તેમજ ફાયર દ્વારા આખી રાત કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્રીજા માળે આવેલ તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ દુકાનોમાં રાખવામાં આવેલો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો આગમાં બળીને ખાખ થયો છે. આ ઘટનાને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમાં શિવશક્તિ ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી આગની દુર્ઘટનામાં ભોગ બનેલ વેપારીઓ ને સહાય આપવા બાબતે રજુઆત કરી છે.
સુરતમાં વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જય હિન્દ સહ ખુબ જ દુઃખદ વેદનાથી જણાવવાનું કે, સુરતની શિવશક્તિ ટેક્ષટાઇલ માર્કેટમાં ૨૫મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 7 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ આગે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. જે આગ લાગ્યેથી 32 કલાકે માંડમાંડ કાબુમાં આવી છે. જેમાં શહેરભરમાંથી 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો અને 40થી વધુ ગાડીઓ દ્વારા 150 જેટલા ફાયર ફાઇટરો સતત પાણીનો મારો કરવામાં આવ્યો હતો.
ટેક્ષટાઇલ સીટી તરીકે ઓળખાતા સુરતની શિવશક્તિ ટેક્ષટાઇલ માર્કેટની 32 ક્લાક સુધી સતત લાગેલી આગને કારણે 800 જેટલી દુકાનો ભીષણ આગની ચપેટમાં આવેલ જે પૈકી 450 તો સંપૂર્ણ ખાખ થયેલ છે. જેમાં ધુમાડામાં ગુંગળામણનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ દુકાનોનાં 800 જેટલા પરિવારો પણ અચાનક આભ તૂટી પડેલ છે. અસરગ્રસ્ત વેપારીઓને ખુબ જ દુખી અને વેદનામય રીતે રડતા જોયા છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય