- શસ્ત્ર પૂજનબાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
- રાજ્ય ગૃહ મંત્રી શાસ્ત્રોકત વિધિ મુજબ શસ્ત્રોની કરશે પૂજા
સુરતના પોલીસ હેડ ક્વાટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. જ્યાં શસ્ત્ર પૂજનબાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું.તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને પ્રજાજનોની સુરક્ષા માટે અતિ મહત્વ ગણાતા શસ્ત્રોની આજે હિન્દુ શાસ્ત્રોકત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી.
ત્યારે આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરત પોલીસ હેડક્વાટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજા બાદ પોલીસના અત્યાધુનિક રાયફલ-ગન હર્ષ સંઘવીએ હાથમાં લીધી હતી. હથિયારની ક્ષમતા અંગે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત પાસેથી માહિતી લીધી હતી. વિજ્યા દશમીના દિવસે શસ્ત્ર પૂજામાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોત, ઉચ્ચ પોલીસ અધિકારી પણ હાજર રહ્યાં હતાં.
ત્યારે આ હથિયારોને હાથમાં લઈને પૂજા અર્ચના કર્યા બાદ રાજ્યમંત્રીએ લેટેસ્ટ ગનથી નિશાન સાધ્યું હતું. સંઘવીને પોલીસ કમિશનરે હથિયારો અંગે વિગતે માહિતી આપી હતી. પોલીસના જવાનો દ્વારા પણ તેમને આપવામાં આવેલા હથિયારોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કર્યું હતું.
આ સાથે શસ્ત્ર પૂજન કર્યા બાદ દશેરા પર્વની તમામ લોકોને શુભકામના આપતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, દશેરાએ શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. તેની પાછળનો ધ્યેય તમામની સુરક્ષાનો છે. આજે તમામ લોકોએ પ્રાર્થના કરી કે, આ શસ્ત્રોની ઉપયોગ ક્યારેય ન કરવો પડે તે માટે પૂજા કરવામાં આવી છે. રાજ્ય પર કોઈ તકલીફ આવે, ખરાબ નજર ઉઠાવી સુરક્ષાનો સવાલ ઉભો થાય ત્યારે આ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. રાવણરૂપી ડ્રગ્સ, વ્યાજખોર, બળાત્કારીઓ, સામાન્ય નાગરિકોને પીડા આપનાર લોકોનો સર્વનાશ થાય તે પ્રકારની પૂજા કરવામાં આવી છે. કાયદાકીય ન્યાય અપાવવા પોલીસ અને સરકાર આપવા ઝડપથી કામગીરી કરી રહી છે.