ક્રાઇમ બ્રાન્ચની ટીમે રસોયા અને ડ્રાઈવર સાથે ઓળખ છુપાવીને રહેતા કુખ્યાત શખ્સોને દબોચી લીધા
ક્યાં કારણોસર આ ગેંગના શખ્સો સુરતમાં આવ્યા હતા તે અંગે તપાસનો ધમધમાટ
દેશભરમાં કુખ્યાત ગેંગ તરીકે ઉભરી આવેલી લોરેન્સ બિસ્નોઈ અને સંપત નહેરા ગેંગના સાત સાગરીતોને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને મોટી સફળતા હાથ લાગી છે. રાજસ્થાનના જુંજનું જીલ્લાના પીલાની શહેરના દિગ્પાલ પીલાની ગેંગ સાથેની આપસી રંજીસના કારણે લોરેન્સ બિસ્નોઈ અને સંપત નહેરા ગેંગના દેવેન્દ્રસિહ શેખાવત તેના સાગરીતો સાથે રાજસ્થાન છોડી આશરો લેવા ગુજરાતના સુરત શહેરમાં આવ્યો છે અને હાલ તે પીપલોદ સ્થિત સારસ્વત નગરમાં છુપાયેલા છે.
માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને કુખ્યાત ગેંગના સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પોતાની ઓળખ બદલી દેવામાં આવી હતી. ડ્રાઇવર અને રસોયાને સાથે રાખીને રહેતા હતા. કોઈપણ પ્રકારનો સંપર્ક ના થઈ શકે તે રીતે રહેતા હતા. જેથી પોલીસ કે અન્ય કોઈપણ દુશ્મન તેમના સુધી ન પહોંચે તેની પર ખાસ ધ્યાન રાખતા હતા. પરંતુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરીને કુલ સાત જેટલા સાગરીતોની ધરપકડ કરી હતી.
આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, દેવેન્દ્રસીંગ શેખાવત રાજસ્થાનના શેખાવતી વિસ્તારમાં ગેરકાયદેસર શરાબનો વેપાર કરતો હતો આ વિસ્તારમાં વર્ચસ્વની લડાઇ માટે લોરેન્સ બીસ્નોઇ ગેંગના સંપત નહેરાની ગેંગમાં ૨૦૧૦થી જોડાયેલો છે. તેમજ રાજસ્થાનના જીંજનુ તથા ચુરુ જીલ્લાના શેખાવતી વિસ્તારમાં ગેરકાયદેસર શરાબના ધંધાની અદાવતમાં દેવેન્દ્ર શેખાવત તેમજ અજય પુનીયા સાથે વર્ષ ૨૦૧૯માં ગેંગવોર થઇ હતી.
જેમાં અજય પુનીયાનું ખુન સંપત નહેરા તથા તેની ગેંગના દેવેન્દ્ર શેખાવત સહિતનાઓએ કર્યું હતું. જેમાં દેવેન્દ્ર શેખાવત તથા અંકિત ભાદુ, સંદિપ યાદવ, મીન્ટુ મોડાસીયા, રાજેશ કેહર, પ્રવિણ કેહર વિગેરે નાઓની ધરપકડ થયેલી હતી. સંપત નહેરા અને દેવેન્દ્રસીંગ બન્ને જણા ચુરુ જીલ્લાના રાજગઠના રહેવાસી છે. ગેંગસ્ટર લોરેન્સ બીસ્નોઇ તથા સંપત નહેરા નાઓ હાલ દિલ્હીની તીહાડ જેલ કસ્ટડીમાં છે.
લોરેન્સ બિસ્નોઈ અને સંપત નહેરા ગેંગના ઝડપાયેલા સાગરીતો
૧) દેવેન્દ્રસિહ મદનસિહ શેખાવત (ઉ.વ.૩૭)
૨) રાજસ્થાન પોલીસનો ડીસમીસ પોલીસ કોન્સ્ટેબલ અને દેવેન્દ્ર શેખાવતનો સાગરિત પ્રવીણસીહ ભગવાનસિહ રાઠોડ (ઉ.વ.૪૧)
૩) દેવેન્દ્રનો મિત્ર કિશનસિંગ ઉર્ફે ક્રિશ્નાસિહ શ્રવણસિહ રાઠોડ (ઉ.વ.૨૯)
૪) દેવેન્દ્રનો બનેવી પ્રતીપાલસિહ જીતસિહ તવર (ઉ.વ.૩૭)
૫) દેવેન્દ્રનો મિત્ર અજય સિહ રોહિતા સિહ ભાટી (ઉ.વ.૨૫)
૬) દેવેન્દ્રનો ડ્રાઈવર અજયસિહ રોહિતાસસિહ ભાટી (ઉ.વ.૨૫)
૭) દેવેન્દ્ર શેખાવતનો રસોયો રાકેશ રમેશકુમાર સેન (ઉ.વ.૩૩)