- સારોલી પોલીસે નિયોલ ચેક પોસ્ટ પાસેથી 31 કિલો ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા
સુરત ન્યૂઝ : સુરતમાં નશાનો કારોબાર અટકાવવા માટે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમ છતાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવા આરોપીઓ અવનવા કિમીયા અપનાવતાં હોય છે. ત્યારે હવે ફરીથી નશાનો સામાન ઘુસાડવા માટે મહિલાનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ 31 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી ધરી છે.
3 લાખથી વધુની કિંમતનો ગાંજો
સારોલી પોલીસે નિયોલ ચેક પોસ્ટ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં એક મહિલા અને પુરુષને ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા હતાં. આ ગાંજાનો જથ્થો ઓડિશાથી તેઓ લઈને આવ્યા હતા. 3 લાખથી વધુની કિંમતનો 31 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. આ આરોપીઓ દ્વારા લવાયેલા ગાંજાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે.
બાતમીના આધારે કાર્યવાહી
એસીપી પી.કે.પટેલએ કહ્યું કે, સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એડીપીએસનો ગુનો નોંધવામાં આવ્યો છે. નિયોલ ચેકપોસ્ટ પર ગાંજો લઈને આવતાં હોવાની બાતમીના આધારે 31 કિલો 40 ગ્રામનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો. બન્ને આરોપીઓ પાસેથી કોથળામાં ગાંજો મળ્યો હતો. હાલ બન્નેને ઝડપી લઈને ગાંજો ઓડિશામાંથી કોણ આપતું અને ક્યાં લઈ જવામાં આવતો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાવેશ ઉપાધ્યાય