સુરતના એક વેપારીને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા બાદ રિમાન્ડ માંગી કસ્ટડીમાં લેવા બદલ સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ છે. મામલામાં સુપ્રીમ કોર્ટે રાજ્યના અધિક સચિવ, સુરત પોલીસ કમિશ્નર, ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ, ડીસીપેઉં વિજયસિંહ ગુર્જર અને ઇન્સ્પેક્ટર આર વાય રાવલ વિરુદ્ધ અદાલતની અવમાનનાની નોટીસ ફટકારી છે.
ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ, ડીસીપી, પીઆઈ સહિતના ઉપર પણ કાર્યવાહીના એંધાણ
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો પ્રાપ્ત વિગત અનુસાર સુરતના તુષાર શાહના નામના વેપારીને આર્થિક છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટે 8 ડિસેમ્બરના રોજ આગોતરા જામીન આપ્યા હતા. જેના 4 દિવસ બાદ સુરત પોલીસે નીચલી અદાલતમાં તુષાર શાહના રિમાન્ડની માંગણી કરી હતી અને ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટે 13 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજુર કરી દીધા હતા.
હવે અરજદાર તુષાર શાહના વકીલ ઇકબાલ સૈયદ અને મોહમમદ અસલમે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટને તેમના અરજદારને કસ્ટડી દરમિયાન ટોર્ચર કરવા અને ગેરકાયદે રૂ. 1.6 કરોડ પડાવવા સુરત પોલીસે આ પગલું ભર્યાનું જણાવ્યું છે. જેના માટે સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોય તેવું અદાલતના ધ્યાનમાં મુકવામાં આવ્યું છે.
જયારે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટનાં ધ્યાને આવ્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે રાજ્યના અધિક સચિવ કમલ દયાણી, સુરત પોલીસ કમિશ્નર અજય તોમર, ડીસીપી વિજયસિંહ ગુર્જર, પીઆઈ આર વાય રાવલ અને ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ અદાલતના આદેશથી ઉપરવટ જવા મામલે અવમાનનાની નોટીસ ઇસ્યુ કરી છે.
સર્વોચ્ચ અદાલતે સમગ્ર મામલે સુરતના જે પોલીસ સ્ટેશનમાં તુષાર શાહને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ અદાલતમાં સબમિટ કરવાનો પણ આદેશ આપ્યો હતો પરંતુ પોલીસ તંત્રએ સીસીટીવી કેમેરા તે સમયે કાર્યરત ન હતા તેવો જવાબ આપતાં કોર્ટે સખ્ત શબ્દોમાં પૂછ્યું હતું કે, એ ચાર દિવસ જ કેમ સીસીટીવી કેમેરા બંધ હતા? અદાલતે નોંધ્યું હતું કે, આ ખુબ રસપ્રદ બાબત છે કે, ફકત તે ચાર દિવસના સમયગાળા દરમિયાન જ સીસીટીવી કેમેરા બંધ હતા. સીસીટીવી કેમરા આ ચાર દિવસમાં જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યા હતા તેવું અદાલતે પ્રાથમિક તબક્કે નોંધ્યું છે. અદાલતે પોલીસને ટકોર કરતા કહ્યું છે કે, તમારે સીસીટીવી બંધ શા માટે હતા તે બાબતે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરવી પડશે.
કોર્ટે આ મામલે અવમાનનાની નોટીસ ઇસ્યુ કરતા કહ્યું છે કે, બિસ્તરા-પોટલાં બાંધીને કોર્ટમાં આવવા તૈયાર રહેજો કારણ કે, કદાચ કોર્ટમાંથી સીધા જ તમને જેલભેગા કરવામાં આવશે.
જાણી-જોઈને જ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા બંધ કરી દેવાયા: સુપ્રીમ કોર્ટનું અવલોકન
મામલામાં જયારે તુષાર શાહને 4 દિવસ માટે પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા ત્યારે આ સમયગાળા દરમિયાન અરજદારને ટોર્ચર કરવામાં આવ્યો હતો તેવો આક્ષેપ વકીલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી સર્વોચ્ચ અદાલતે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજની માંગણી કરી હતી. જેના જવાબમાં પોલીસ સ્ટેશનના કેમેરા તે સમયગાળા દરમિયાન બિનકાર્યરત અવસ્થામાં હતા તેવું પોલીસે જણાવ્યું હતું. જેથી અદાલતે કહ્યું હતું કે, ફકત એ જ સમયગાળા દરમિયાન કેમેરા બંધ હોવા એ જાણી-જોઈને આચારવામાં આવેલું કારસ્તાન છે.
કસ્ટડી દરમિયાન અરજદારને ટોર્ચર કર્યાનો આક્ષેપ
અરજદાર તુષાર શાહના વકીલ ઇકબાલ સૈયદ અને મોહમમદ અસલમે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટને તેમના અરજદારને કસ્ટડી દરમિયાન ટોર્ચર કરવા અને ગેરકાયદે રૂ. 1.6 કરોડ પડાવવા સુરત પોલીસે આ પગલું ભર્યાનું જણાવ્યું છે. જેના માટે સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોય તેવું અદાલતના ધ્યાનમાં મુકવામાં આવ્યું છે.