Surat : રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર છેલ્લા 4 મહિનાથી બંધ છે. ત્યારે પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપડતી ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી રહી છે. ત્યારે 30મી સપ્ટેબર સુધીમાં કામગીરી પૂરી થઈ જશે તેવી કોન્ટ્રાક્ટર બાંહેધરી આપી હતી. પરંતુ 2-2 વખત મુદત વધારવા છતાં કામ પૂર્ણ નહીં થતાં હવે અચોક્કસ મુદત માટે એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે.
રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્મ નંબર 4 મુસાફરોની અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તેમાં પહેલા 90 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ બે વખત મુદત વધારવામાં આવી હતી. પરંતુ આ મુદત વધારા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યો નહીં. આ દરમિયાન વરસાદને પગલે અવાર- નવાર કામગીરી ખોરંભે ચઢી હતી. ત્યારે બીજી વખત મુદત વધારો 30મી સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો હતો.
હવે 30મી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી નહીં થતાં કંપનીએ ત્રીજી વખત મુદત વધારો માંગ્યો હતો. પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. આ સાથે હવે અચોક્કસ મુદત એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર ચાર બંધ રહેશે તેની જાહેરાત કરી છે. હવે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપડતી જે ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવતી હતી, તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવાશે. ત્યારે દિવાળીને હવે એક મહિનો બાકી હોવાથી એકસ્ટ્રા ટ્રેનો દોડાવાશે. તેથી પ્લેટફોર્મ નંબર 4 ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે.
ભાવેશ ઉપાધ્યાય