- વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયો શુભારંભ
ઓલપાડ તાલુકાના બરબોધન ગ્રામ પંચાયત તથા નેચર કલબ અને એસ.બી.આઈના સંયુકત ઉપક્રમે બરબોધન ગામની બે એકર જમીનમાં 16,000 વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી અમુલ્ય સંબંધ માતા અને તેમના સંતાનો વચ્ચે રહેલો છે. માતાનું ઋણ કોઈ રીતે ચુકવી શકાતું નથી. પર્યાવરણ બચાવવાના ઉમદા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 5મી જૂન, 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે આ ‘એક પેડ માં કે નામ’ અભિયાનની શરૂઆત કરીને સૌને વુક્ષો વાવવાનું આહવાન કર્યું હતું. વડાપ્રધાને દરેક લોકોને માતાનું ઋણ અદા કરવા માટે એક પેડ મા કે નામનું વાવેતર કરવાનો અનુરોધ કર્યો હતો.
આ અભિયાન સમગ્ર રાજ્યમાં જન આંદોલન બન્યું હોવાનુ જણાવી મંત્રીએ બરબોધન ગામના લોકોને વાવેલા વૃક્ષો મોટા થઈને ધટાદાર થાય તે માટે સંવર્ધન કરવાની હિમાયત કરી હતી. મંત્રીએ આ સ્થળે વનકવચ બનાવવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ અવસરે બરબોધન ગામના સરપંચ દીક્ષાત પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગના પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે બરબોધન ગામના લોકો એ પહેલ કરીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવાની શરૂઆત કરી છે જેમાંથી અન્ય ગામના લોકો પ્રેરણા લઇને પોતાના ગામમાં પણ વૃક્ષો વાવવાની શરૂઆત કરે તેવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રી અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતા પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણ પટેલ, સુરત જિલ્લા સંગઠન મહામંત્રી કિશન પટેલ, ઓલપાડ તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ,અગ્રણી સુનિલ પટેલ, જીગ્નેશ પટેલ, સુરત નેચરલ ક્લબનાં સભ્યો, એસ. બી.આઈ બેંકનાં કર્મચારીઓ, બરબોધન ગ્રામજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહયા હતાં.