- 10 બટુકોને સમૂહમાં જનોઈ આપવામાં આવી
- શિક્ષણમંત્રી, ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
સુરત: રામપુરા ખાતે આવેલી સુરત લેઉવા પાટીદાર પંચની વાડી ખાતે ફુલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમાં સમૂહ યજ્ઞોપવિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 બટુકોને સમૂહ જનોઈ અને 3 ને બાબરી સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય કુમાર કાનાણી, મેયર દક્ષેશ માવાણી અને નગર પાલિકા શિક્ષણ સમિતિ સભ્ય યશોધર દેસાઈએ ઉપસ્થિત રહીને બાળકોને આર્શીવચન પાઠવાયા હતા. તેમજ આ કાર્યક્રમમાં દીકરી બચાવો, દીકરી ભણાવો તેમજ વૃક્ષોનું જતન અને પર્યાવરણને બચાવવા સહિતનો સંદેશો આપવામાં આવ્યો હતો
ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ, ફુલપાડા તરફથી અગિયારમા સમૂહ જનોઈનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 10 બટુકોને ધાર્મિક વિધિ અનુસાર 12 કરતા પણ વધારે આચાર્યની હાજરીમાં યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવ્યું છે. તેમજ સદર કાર્યક્રમમાં ૩ બટુકોના ચૌલસંસ્કાર પણ કરવામાં આવ્યા છે.
બ્રાહ્મણ સમાજમાં યજ્ઞોપવિત એક અનેરૂ મહત્વ ધરાવે છે. વેદ અધ્યયનનો અધિકાર, સંસ્કારોનું સિંચન અને દ્વિજત્વની પ્રાપ્તિ એટલે યજ્ઞોપવિત સંસ્કાર. સુરત ફુલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોના જણાવ્યા મુજબ પાછલા વર્ષોમાં દસ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સફળતા પૂર્વક પૂરા કર્યા બાદ આ અગિયારમો સમૂહ યજ્ઞોપવિત સંસ્કારને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
સુરત ફુલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમો સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરત લેઉવા પાટીદાર પંચની વાડી રામપુરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મેયર, ધારાસભ્ય સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય