ધરપકડ બાદ મોડી રાત્રે સુરતમાં તોડફોડ અને આગ લગાડવાના બનાવ
સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમીતી (પાસ)ના નેતા અલ્પેશ કથીરીયાની સિટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડથી સુરતમાં મોડી રાત્રે તોડફોડ અને આગ લગાડવાના બનાવ બન્યા હોવાનું જાણવા મળે છે.
વિગતો અનુસાર અલ્પેશ કથીરીયા સહિતના પાસના કન્વીનરોની મોડી સાંજે ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી હતી. વર્ષ ૨૦૧૫માં હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બાંભણીયા, કેતન અને અમરીશ પટેલ સામે આરોપ મુકાયા હતા. તેમની સામે આઈપીસીની કલમ ૧૨૧, ૧૨૪, ૧૫૩-એ અને ૧૫૩-બી હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમીતીના અન્ય એક નેતા ધાર્મિક માલવીયાએ જણાવ્યાનુસાર અલ્પેશ કથીરીયાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ટેટમેન્ટ ફાઈલ કરવા બોલાવાયા હતા. જો કે, ત્યારબાદ તેની રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હોવાનું જાહેર કરાયું હતું.