- નકલી ચલણી નોટ છાપવાના રેકેટમાં વધુ એક ઝડપાયો
- 200ના દરની 2.91 લાખની બોગસ નોટ કબ્જે
સુરત ન્યૂઝ : સુરતના લિંબાયતમાં ચાલતા નકલી ચલણી નોટોના રેકેટમાં વધુ એક આરોપીને ઉમરવાડામાંથી પકડી પાડ્યો છે. પકડાયેલા આરોપીનું નામ શાહપોર સાદીક અબ્બાસઅલી છે. તે ઉમરવાડા ટેનામેન્ટમાં ભાડેથી રહે છે. મૂળ મહારાષ્ટ્રનો વતની છે. સાદીક પાસેથી 200ના દરની 2.91 લાખની નકલી ચલણી નોટો મળી આવી છે. 1.09 લાખની 500ના દરની નકલી નોટો સાદીકે વ્યાજે રૂપિયા આપતો તેમાં પધરાવી દીધી હોવાની આશંકા છે. આરોપી સાદીક વ્યાજે રૂપિયા ફેરવાનો અને જમીન દલાલીનો ધંધો કરે છે.
દોઢ લાખમાં 4 લાખની નોટ
સુરતના ફિરોઝ શાહએ સાદીકને 4 લાખની નકલી નોટો આપી હતી. જેથી SOGની ટીમ તેના સુધી પહોંચી છે. વધુમાં ફિરોજે 4 લાખની બોગસ નોટોનો દોઢ લાખમાં સાદીક સાથે સોદો નક્કી કરી 80 હજાર સાદીકે આપી દીધા હતા. બાકીની રકમ નોટો વટાવીને આપવાનું નક્કી થયું હતું.
4 દિવસના રિમાન્ડ
આરોપી ફિરોઝ સુપડુ શાહ, બાબુલાલ ગંગારામ કપાસીયા અને સફીકખાન ઈસ્માઇલખાનની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. ત્રણેયને ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટમાં પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ન્યૂઝ ચેનલનો માલિક ફિરોજ શાહ છેલ્લા એક વર્ષથી મીડિયાની આડમાં નકલી નોટોનો કારોબાર ચલાવતો હોવાની શક્યતા છે. અન્ય નાના સાપ્તાહિકોની સંડોવણી હોવાની શક્યતા છે.