Surat: શહેર પોલીસ દ્વારા લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાના પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેનાથી પોલીસ જરૂરિયાતના સમયે લોકોને તાત્કાલિક જ મદદરૂપ થઈ શકશે. પોલીસના આ નવતર અભિગમથી લોકોના મનમાં રહેલી પોલીસની ક્રૂર છબી પણ માનવતામાં પરિવર્તિત થશે.
કંટ્રોલરૂમમાં આવેલા ફોનનું એનાલિસિસ શરૂ કરાયું
રાજ્યમાં લોકોને કોઈ પણ મુશ્કેલી હોય તો લોકો તરત જ પોલીસના કંટ્રોલ નંબર પર ફોન કરતા હોય છે અને 100 નંબર પર ફોન કરીને લોકો પોલીસ પાસે મુશ્કેલીના સમયમાં મદદની માગણી કરતા હોય છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા કંટ્રોલરૂમમાં આવેલા ફોનનું એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. જેથી કરીને પોલીસ જાણી શકે કે ક્યારે અને કયા સમયે લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
50,000 જેટલા મોબાઈલ નંબરના ડેટાનું એનાલિસિસ કરાયું
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ક્રાઈમ બ્રાન્ચ તેમજ SOGની ટીમોને સાથે રાખીને કંટ્રોલ રૂમ પર મળતી ફરિયાદોનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસના કંટ્રોલરૂમમાં પ્રતિદિન 284 જેટલા લોકોના કોલ આવે છે. જેમાં કેટલાક કોલ પારિવારિક ઝઘડાના, કેટલા કોલ મારા મારી તેમજ કેટલાક કોલ ટ્રાફિકની સમસ્યા બાબતેના પોલીસને મળી રહ્યા છે. પોલીસને કંટ્રોલરૂમમાં જે પણ ફોન આવે તેનું એક લિસ્ટ કોમ્પ્યુટરમાં તૈયાર કરવામાં આવે છે ત્યારે છેલ્લા છ મહિનાનો ડેટા લઈને પોલીસ દ્વારા 50,000 જેટલા મોબાઈલ નંબરના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યુ હતું.
37,000 જેટલા કોલમાં લોકોએ પોલીસની મદદ માંગી
50000 મોબાઈલ નંબરના ડેટાના આધારે 37,000 જેટલા કોલ પોલીસે એવા આઇડેન્ટીફાય કર્યા છે. જેમાં લોકોએ પોલીસની મદદ માગી હોય અને આ બાબતે ક્રાઈમ કોન્ફરન્સમાં પણ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓને લોકોને પડતી મુશ્કેલી બાબતે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા આ તમામ ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે કે, કયા વિસ્તારમાં કયા સમયે કઈ ઘટનાના કોલ પોલીસને વધારે મળી રહ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા બાબતેના પણ જે જે વિસ્તારમાંથી પોલીસને કોલ મળ્યા છે તે તમામ વિસ્તારોમાં ટ્રાફિક મેનેજમેન્ટ બાબતે પ્લાનિંગ પણ સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું
જે મોબાઈલ નંબરના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે તેના પરથી એ જાણી શકાશે કે કયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી લોકોને કયા સમયે સૌથી વધારે પોલીસની મદદની જરૂર પડે છે. આ ઉપરાંત આ ડેટાના એનાલિસિસના આધારે મોર્નિંગ પર નીકળેલા લોકો સાથે જે તે સ્નેચિંગ અને મોબાઇલ સ્નેચિંગની જે ઘટનાઓ બને છે તેની પણ વિગતો પોલીસને મળી રહી છે. આવી ઘટના ન બને તે માટે પોલીસે કયા સમયે કયા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવું આ ઉપરાંત કયા પોલીસ સ્ટેશનમાં વધારે સ્ટાફની ફાળવણી કરવી અને વધારે વાહનો ફાળવવા તે તમામ માહિતી પોલીસને મળી છે. આ ઉપરાંત જે જે પોલીસ સ્ટેશન વિસ્તારના કોલનું એનાલિસિસ કરવામાં આવ્યું છે તે તમામ કોલની માહિતી જે તે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને પણ આપવામાં આવી છે. એટલે આગામી દિવસોમાં કયા સમયે લોકોને કઈ રીતે પોલીસની મદદની જરૂર પડે છે તે તમામ બાબતોનું ધ્યાન સુરત પોલીસ રાખશે.
ભાવેશ ઉપાધ્યાય