- નાગપુરમાં એવ્યન ફલૂ H5N1 ના વાયરસના કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત
- સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એડવાઈઝરી કરાઈ જાહેર
- હિંસક પ્રાણીમાં કોઈ પણ લક્ષણ દેખાઈ તાત્કાલિક પગલાં ભરવા અપાઈ સૂચના
એક બાજુ સમગ્ર દુનિયામાં HMPV વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેના કારણે વિશ્વભરના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ હવે એક વાયરસના કારણે હિંસક પ્રાણીઓના મોત નોંધાઈ રહ્યા છે. નાગપુરના પ્રાણીસંગ્રહાલયમાં એવ્યન ફ્લૂ H5N1ના કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત થયું છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત નેચરપાર્ક તંત્ર પણ સતર્ક બન્યું છે. હિંસક પ્રાણીઓ જ્યાં પાંજરામાં રહે છે, તે સ્થળે ડીસઇન્ફેક્શનની કામગીરી હવે દર 15 દિવસની જગ્યાએ 7 દિવસમાં કરવામાં આવશે. સુરતના સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં પણ વાઘ, સિંહ અને દીપડાના પાંજરાઓ સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, હાલમાં HMPV વાઇરસનું સંક્રમણ સામે સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી લોકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે બીજી તરફ થોડા દિવસ પહેલા નાગપુરના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસથી ત્રણ વાઘ અને એક દીપડાનું મોત થતા સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી એક્શનમાં આવ્યું છે. આ ઓથોરીટીએ ત્રણ જાન્યુઆરીના રોજ સુરત સહિત દેશના તમામ પ્રાણી સંગ્રહાલય માટે એડવાઈઝરી જાહેર કરી છે. સુરત પાલિકાને આ અંગેની સુચના મળ્યા બાદ સરથાણા નેચરપાર્ક ખાતે હિંસક પ્રાણીઓની દેખરેખમાં વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. પાલિકાના પ્રાણીસંગ્રહાલયના સ્ટાફના જણાવ્યા પ્રમાણે પહેલા દર 15 દિવસે પ્રાણીઓના પિંજરાને ડીસ ઇન્ફેક્શન કરવામાં આવતા હતા. પરંતુ હાલમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનને કારણે દર અઠવાડિયે સફાઈ તથા ડીસ ઇન્ફેક્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રાણીમાં કોઈ પણ લક્ષણની જાણકારી મળે તો તરત અધિકારીને જાણ કરવા સૂચના આપી દેવામાં આવી છે.
નાગપુર પ્રાણી સંગ્રહાલયમાં ચાર પ્રાણીના મોત નાગપુરના પ્રાણીસંગ્રહાલયમાં એવ્યન ફ્લૂ H5N1 ના પ્રકોપે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત નીપજ્યું છે. સેન્ટ્રલ ઝૂલોજિકલ ઓથોરિટીએ આ ઘટનાને ગંભીરતાથી લેતા એડવાઈઝરી જાહેર કરી છે. તે મુજબ, જો હિંસક પ્રાણીઓમાં કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
આ અંગે ઝુના અધિકારી હીનાબેને જણાવ્યું કે નાગપુરની ઘટના ધ્યાનમાં રાખીને સુરત નેચરપાર્કમાં હિંસક પ્રાણીઓ માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ડીસઇન્ફેક્શનની સમયાવધિ ઘટાડીને દર અઠવાડિયે કરવામાં આવી છે. જો પ્રાણીઓના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર નજરે પડશે, તો તાત્કાલિક સારવાર માટે તેમના નમૂનાઓ વિશેષ પ્રાણીસ્વાસ્થ્ય કેન્દ્રમાં મોકલવામાં આવશે.હિંસક પ્રાણીઓના પાંજરાઓની વધુ નિયમિત સફાઈ. પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન. એડવાઈઝરી મુજબ સંભવિત અસરકારક સારવાર અને દેખરેખ.