- સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ નજીક બની ઘટના
- બસમાં લાગેલ સીસીટીવી માં ઘટના કેદ
- વાહન ચાલકોની દાદાગીરી અને પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ
- બસમાં સવાર લોકો ગભરાયા
સુરતમાં વાહનચાલકોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ફરી એકવાર સુરતમાં BRTS બસના ડ્રાઇવર સાથે વાહનચાલકોએ મારામારી કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે. સુરતના સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે કડોદરાથી સ્ટેશન તરફ જઈ રહેલી BRTS બસ પર સ્મીમેર હોસ્પિટલ નજીક પથ્થરમારો થયો અને વાહનચાલકે ડ્રાઈવરને માર માર્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં BRTS સેવામાં ફરી એકવાર હિંસક ઘટના સામે આવી છે. કડોદરાથી સ્ટેશન તરફ જતી BRTS બસમાં સ્મીમેર હોસ્પિટલ નજીક અજાણ્યા વાહનચાલકે પથ્થર મારી તોડફોડ કરી હતી. માત્ર હોર્ન મારવા બાબતે યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ડ્રાઇવરને માર મારી દાદાગીરી પણ કરી હતી. આ ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ છે.
આજરોજ કડોદરાથી સ્ટેશન તરફ જઈ રહેલી BRTS બસ પર સ્મીમેર હોસ્પિટલ નજીક પહોંચી હતી. જ્યાં વાહનચાલકો BRTS રૂટમાં ઘૂસી ગયા હતા અને થોડો ટ્રાફિક થઈ ગયો હતો. જેના પગલે BRTS બસના ચાલકે આગળ રહેલા વાહનચાલકને હોર્ન માર્યું હતું. ત્યારબાદ વાહનચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ડ્રાઇવર સાથે અપશબ્દો સાથે દાદાગીરી કરવા લાગ્યો હતો.
બસ ડ્રાઇવરના જણાવ્યા મુજબ, તેણે બસ ડ્રાઇવરને નીચે ઉતારી માર માર્યો હતો. ત્યારબાદ મુસાફરો ભરેલી BRTS બસના આગળના કાચમાં પથ્થર મારી તોડફોડ કરી હતી. આ ઘટનામાં બસની કાચ પણ તૂટી ગઈ હતી. આ ઘટના બનતા બસમાં સવાર મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી. આવી ઘટનાઓ સુરતમાં વારંવાર બનતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય