સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલના 200 થી વધુ ગૌસેવકો દ્વારા ડીંડોલી, ખરવાસા, ચલથાણ, પરવટ પાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POP ની બનેલી ગણેશજીની 2500 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી.
હજારો POP ની મૂર્તિઓનું કરાયું પુનઃ વિસર્જન
ઉધના વિસ્તારમાં આવેલ માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલ કે જ્યા બીમાર દિવ્યાંગ ગાય માતા અને અન્ય પશુઓની સારવાર થાય છે તે ગૌશાળાના 200 થી વધુ ગૌસેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું. સાંસ્કૃતિક રક્ષા સમિતિની અધ્યક્ષ આશિષ સૂર્યવંશી એ જણાવેલ કે, અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવીસર્જિત રઝળતી ગણેશજીની, દશામાની હજારો POP ની મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને POP ની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવતા આવેલ છે.
10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિંદુ ધર્મની લાગણી દુભાવે તેવા દ્રશ્યો પ્રદર્શિત થાય છે. સંસ્કૃતિની રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા POP ની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે. સુરત મનપા દ્વારા કુત્રિમ તળાવો બનાવ્યા હોવા છતાં તેમજ સુરત પોલીસ નો આ નહેરો નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં નાસમજ કહેવાતા ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા ખાતર આ પ્રકારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરેલ. આવા ભક્તોને વિનંતી કે બાપ્પાની સ્થાપના કરી યોગ્ય જગ્યાએ વિસર્જન ન કરી શકાતું હોય તો સ્થાપના જ નહીં કરવી.
ભાવેશ ઉપાધ્યાય