સુરતમાં 15 મી ઓગસ્ટની ઉજવણી
સુરતમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે તારીખ ૧૫મી ઓગસ્ટ: સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તારીખ ૯મી ઓગસ્ટથી ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન યોજાશે.
સુરત જિલ્લામાં પણ આ અભિયાનમાં લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ઉપરાંત, સુરતમાં તારીખ ૧૭ અને ૧૮ ઓગસ્ટે તાલુકા કક્ષાએ ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન યોજાશે. આ કાર્યક્રમ પંચાયત ઉપરાંત સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પણ યોજાશે.
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ‘માટીને નમન વીરોને વંદન’ થીમ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.૦૯ થી તા. ૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે ‘મિટ્ટી ઓફ ધ મધરલેન્ડ’ કાર્યક્રમ યોજાશે, જેનું આયોજન સુરત જિલ્લા સહિત દેશની તમામ પંચાયતોમાં થશે.
સુરત જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે, આ તકતીમાં વડાપ્રધાન વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, ‘આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો હશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી રાજ્ય પોલીસ દળ, સીએપીએફના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોતાની ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મીઓને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.
કાર્યક્રમ દરમિયાન પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા દીવડા લઈને કરશે. ઉપસ્થિત સૌ પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ પર અપલોડ કરશે. નિયત સ્થળોએ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરાશે. આ ઉપરાંત ‘વસુધા વંદન’ અંતર્ગત દરેક પંચાયતમાં ૭૫ સ્વદેશી રોપાઓનું વાવેતર કરી અને ‘વસુધા વન’ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુ માટે સ્વાતંત્ર્ય સેનાની/વીરોના પરિવારને આમંત્રિત કરવામાં આવશે, તેમનું સન્માન કરવામાં આવશે. પંચાયતમાં યોજાનાર દરેક કાર્યક્રમમાં ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે એવી વિગતો જિલ્લા વહીવટીતંત્ર પાસેથી પ્રાપ્ત થઈ છે.
આ ઉપરાંત, માટીને નમન કરવાના હેતુથી ગામની માટી એકઠી કરી અને પંચાયતમાં લાવવામાં આવશે, આ માટી બ્લોકમાં પહોંચશે. ગામથી તાલુકા સુધીની મિટ્ટી યાત્રા પણ યોજાશે. બ્લોક ખાતેથી દરેક તાલુકા દીઠ એક યુવાન પરંપરાગત પહેરવેશ પહેરી આ માટીના કળશને દિલ્હી લઈ જશે.
ભાવેશ ઉપાધ્યાય