- ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરનારા ઇસમો સામે પોલીસ દ્વારા તવાઈ
- એક ઈસમ સાથે મુદામાલ જપ્પ્ત કર્યો
સુરત ન્યૂઝ : સુરત શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરનારા ઇસમો સામે તવાઈ બોલાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે થોડા દિવસો પહેલા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસની બોટલ રીફીલ કરતા ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ગેસની બોટલ સહિતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે હવે સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ગેસની બોટલ રીફીલિંગ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરોલી પોલીસને એવી બાતમી મળી હતી કે, અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર આવેલી વાળીનાથ સોસાયટીમાં અલગ અલગ બે દુકાનોમાં ગેસ રિફિલિંગ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા વાડીનાથ સોસાયટી નજીક આવેલી આ બંને દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ થઈ રહ્યું છે. તેથી પોલીસ દ્વારા દુકાનની અંદરથી 48 દિવસની નાની મોટી બોટલો કબજે કરી છે.
આ ઉપરાંત ગેસ રીફિલિંગ માટેનું એક મશીન અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે ગેસ રીફીરીંગ કરતા સમયે બ્લાસ્ટ થવાની ઘટનાઓના ત્રણ કિસ્સા સુરતમાં બન્યા છે અને આ ઘટનાઓમાં લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે અને તેને જ લઈને હવે સુરત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ગેસની બોટલો રિફિલ કરનારા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભાવેશ ઉપાધ્યાય