દેશમાં ચાલી રહેલી IPL ની સિઝન તેની લોકચાહના અને ક્રિકેટના રેકોર્ડ માટે જેટલી ચર્ચામાં રહે છે એટલી જ ચર્ચામાં સટ્ટાના કારણે રહે છે. પોલીસના અનેક પ્રયાસો છતાં IPL પર ચાલી રહેલા સટ્ટા પર અંકુશ લાવી શકાતો નથી. બુકીઓ પોલીસને અંધારામાં રાખી સટ્ટા માટે અવનવા કિમિયાઓ અજમાવે છે ત્યારે સુરતમાં પણ આઇપીએલ પર ઓનલાઇન સટ્ટો રમાડવાનું નેટવર્ક ઝડપાયું હતું.
સુરતના રાંદેરમાં IPL પર ઓનલાઈન સટ્ટો રમાડનારને ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં ત્રણ કરોડથી વધુના ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. આ મામલે પોલીસે 5.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રાંદેર રામનગર ખાતે આવેલા મકાનમાં મોટા પાયે IPL પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે તેવી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને રિતેશ પટેલ, દીપક ઉર્ફે દીપુ સુદવાની, ડેનિસ પંચોલી અને વિનેશ પટેલ નામના ચાર આરોપીની ધરપકડ કરી હતી અને28 મોબાઇલ, લેપટોપ, 2 વાહન, રોડક, સિમ કાર્ડ સહિત 5,69,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યા હતા.