ઓનલાઇન માર્કેટિંગ કરી હજારો લોકોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ખંખેરી લીધા: કરોડોના ટ્રાન્જેક્શન ઝડપાયા
૩૨ મોબાઈલ, ૩૯ સીમ કાર્ડ, ૧૨ બેન્કોની ચેક બુક, ૧૮ ક્યુઆર કોડ અને ૬૦ ડેબિટ કાર્ડ સહિત રૂ.૨.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે
સુરતના ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલી સાયબર ક્રાઈમની ફરિયાદના આધારે પોલીસે રાજ્યવ્યાપી સાયબર રેકેટનો પર્દાફાસ કરી ગોંડલના ઠગને દબોચી લીધો છે. જેમાં ઓનલાઇન માર્કેટિંગ કરી હજારો લોકોના બેંક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન ઝડપાયા છે. પોલીસે આરોપીના મકાનની તલાસી લેતાં ૩૨ મોબાઈલ, ૩૯ સીમ કાર્ડ, ૧૨ બેન્કોની ચેક બુક, ૧૮ ક્યુઆર કોડ અને ૬૦ ડેબિટ કાર્ડ સહિત રૂ.૨.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના ખટોદરા પોલીસ મથકમાં ગત તા.૨૯મી ડિસેમ્બરના રોજ એક સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. જેમાં પોલીસે મોટી સફડતાં મળી છે. સુરત પોલીસે રાજ્યવ્યાપી સાયબર રેકેટનો પર્દાફાસ કરી ગોંડલ પંથકના સુફિયાન સાજીદ રંગુલવાલા નામના ઠગને દબોચી લીધો હતો.
પોલીસે સુફિયાનની ધરપકડ કરી તેની પૂછતાછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા જેમાં પોલીસ પણ દંગ રહી ગઈ હતી. પોલીસે આરોપી સુફિયાનના મકાનની ઝડતી લેતા તેમાંથી ૩૨ મોબાઈલ, ૩૯ સીમ કાર્ડ, ૧૨ બેન્કોની ચેક બુક, ૧૮ ક્યુઆર કોડ અને ૬૦ ડેબિટ કાર્ડ સહિત રૂ.૨.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યા હતા.
પોલીસની પૂછતાછમાં આરોપી સુફિયાનએ કબૂલાત આપી હતી અને તેમાં જણાવ્યું હતું કે પોતે ઓનલાઇન શોપિંગ માર્કેટિંગ કરી લોકોને ભોળવી તેમને પોતાનો કયુઆર કોડ મોકલી બેંક એકઉન્ટમાંથી પૈસા ખંખેરતો હતો. અત્યાર સુધી અંદાજિત ૧૦ હજારથી પણ વધુ લોકો સુફિયાનના સાયબર રેકેટના ભોગ બન્યા છે. ફક્ત ગુજરાત જ નહિ પરંતુ દિલ્લી, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં પણ લોકો સાયબર રેકેટના ભોગ બન્યા છે. પોલીસે જણાવ્યા મુજબ આરોપી સુફિયાન રંગુલવાલા છેલ્લા અઢી વર્ષથી આ સાયબર રેકેટ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાને રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં સાયબર ક્રાઈમને લાગતા અનેક ગેજેટ્સ ઝડપાયા હતા. ઉપરાંત આરોપી સુફિયાનના મોબાઈલમાંથી ૨૫,૦૦૦ જેટલા કોન્ટેક્ટ સેવ મળી આવ્યા હતા.