- એક જ પરિવારના 4 વૃદ્ધ લોકો રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં
- સામૂહિક આપઘાત કર્યાની શંકા
- FSLની ટીમ બોલાવાઈ
સુરત ન્યૂઝ : જહાગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 વૃદ્ધ લોકો રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, રાજન રેસિડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં ચાર લોકો રહેતા હતા, જેમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામની ઉંમર 55થી 60 વર્ષની છે. રાત્રે જમ્યા બાદ ચારેય સૂતાં હતાં અને સવારે ઊઠ્યા જ નહીં. બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે. તેણે સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો નહોતો, અંદર જતા ચારેય જણ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ચારેય રાત્રે પૂરી અને કેરીના રસ સાથે જમ્યા હતા. ત્યાર બાદ ફૂડ-પોઈઝિંગ થયું હોય એવું પણ માનવામાં આવી રહયું છે. ચારેયનાં મોત હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યાં છે.
મૃતકોના નામ:
1.જસુબેન કેશુભાઈ વાઢેલ-55 થી 58 વર્ષ
2.હીરાભાઈ રત્ના ભાઈ મેવાડા-55 થી 60
3.ગૌરી બેન હીરાભાઈ મેવાડા-55
4.શાંતાબેન નાનજી ભાઈ વાઢેલ-55
FSLની ટીમ બોલાવી છેઃACP
એસીપી આર.પી. ઝાલાએ જણાવ્યું હતું કે, હાલમાં તમામનું મોત કઈ રીતે થયું છે તેની કોઈ માહિતી મળી નથી. ફૂડ પોઈઝનિંગ છે કે સુસાઈડ કર્યું છે તે જાણવા માટે FSLની ટીમ બોલાવામાં આવી છે. મૃતકનો દીકરો મુકેશભાઈ પણ બાજુના મકાનમાં રહે છે. વીડિયોગ્રાફી કરી આખા ઘરનું સર્ચ ઓપરેશન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ભાવેશ ઉપાધ્યાય