સુરત : મિત્રએ જ મિત્રને આડા રસ્તે જવા સલાહ આપી
VNSGUમાં બીકોમની પરીક્ષામાં બે વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં 500-200ની નોટ મૂકી પાસ કરવા કહ્યું; યુનિવર્સિટીએ રિઝલ્ટ કેન્સલ કરી 2 હજારનો દંડ ફટકાર્યો.
મિત્રની ખોટી સલાહથી વિદ્યાર્થીનું ભાવિ બગડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નર્મદ યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીએ મિત્રના કહ્યા પર ઉત્તરવહીમાં રૂ. 500 અને 200ની નોટ મૂકી હતી. જોકે, યુનિવર્સિટીએ તેનું રિઝલ્ટ કેન્સલ કરી 2 હજારનો દંડ કર્યો છે. કુલપતિએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ કરેલી ગેરરીતિમાં જે તે વિષયમાં ઝીરો માર્ક્સ અને દંડ કરવામાં આવ્યો છે. જેમાંથી બે કિસ્સા ખૂબ જ અજીબ સામે આવ્યા હતા.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા જૂન-જુલાઈ દરમિયાન લેવામાં આવેલી પરીક્ષામાં 900 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા. જેને લઈ વિદ્યાર્થીઓનું યુનિવર્સિટીની કમિટી દ્વારા હિયરિંગ ચાલી રહ્યું છે. તેમાંથી 550 જેટલા વિદ્યાર્થીઓનું હિયરિંગ થઈ ગયું છે. આ તમામ વિદ્યાર્થીઓએ કરેલી ગેરરીતિમાં જે તે વિષયમાં ઝીરો માર્ક્સ અને દંડ કરવામાં આવ્યો છે. જેમાંથી બે કિસ્સા ખૂબ જ અજીબ સામે આવ્યા હતા.
‘ઝીરો માર્ક્સ આપી 500 રૂપિયા દંડ કરવામાં આવ્યો’
બે વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં 200 અને 500ની ચલણી નોટ મૂકીને પાસ કરી દેવા માટેની આજીજી કરી હતી. જેમાં વિદ્યાર્થીનું તમામ પરીક્ષાનું પરિણામ રદ કરી દેવામાં આવ્યું છે અને 2000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ જ રીતે એક વિદ્યાર્થીનીને તેની મિત્ર વિદ્યાર્થીની દ્વારા પરીક્ષા દરમિયાન બારીની બહારથી પરીક્ષાના જવાબો લખાવતી હતી. તે મુજબની ગેરરીતી પણ સામે આવી હતી. જેમાં વિદ્યાર્થીને તમામ વિષયમાં ઝીરો માર્ક્સ આપીને 500 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે.
‘મિત્રોની ખરાબ સંગત વિદ્યાર્થીઓને આડા રસ્તે લઈ જાય છે’
કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, પુરવણીમાં જે 200ને 500ની નોટ મૂકવામાં આવી છે, તેમાં વિદ્યાર્થીઓનું બોલાવીને કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું, મિત્રએ સલાહ આપી હતી કે પુરવણીમાં 200-500 રૂપિયાની નોટ મૂકવાથી પ્રોફેસર પાસ કરી દે છે. જેને લઇ કુલપતિએ જણાવ્યું કે, મિત્રોની ખરાબ સંગત વિદ્યાર્થીઓને આડા રસ્તે લઈ જાય છે. જેથી અમે તમામ કોલેજોમાં સૂચના આપી છે કે, વિદ્યાર્થીઓને ખરાબ મિત્રોની સલાહ માનવી કેટલી અઘરી પડી શકે છે અને તેનું પરિણામ કેવી રીતે ભોગવવું પડે છે, તે અંગેનું કાઉન્સિલિંગ કરવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓને સમજાવવામાં પણ આવે.
ભાવેશ ઉપાધ્યાય