- ખેલૈયાઓ માટે વ્યક્તિદીઠ એક સ્કવેર મીટરની જગ્યાની ફરિજિયાત
- ફાયર ડીપાર્ટમેન્ટ પાસેથી ફાયર સેફ્ટીની મંજૂરી જરૂરી
- ખેલૈયાઓનો દસ્તાવેજી રેકોર્ડ સાચવીને રાખવાનો રહેશે
Surat : રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફ્ટી માટેના કાયદાઓ સખત કરવામાં આવ્યા છે. ત્યારે આગામી સમય નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે. સુરત SMC એ આ વખતે નવરાત્રીના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં કેટલીક નવી શરતો શામેલ કરવામાં આવી છે.
નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિદીઠ એક સ્કવેર મીટરની જગ્યા રહે તેવી વ્યવસ્થા રાખવા અંગે જણાવ્યું છે. આ શરત રાખવા પાછળનું કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તે માટેનું છે.
નજીકના દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થશે ત્યારે દરવર્ષની જેમ અનેક આયોજકોએ પંડાલ, એસી ડોમ, પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓમાં ગરબા રમવા માટેના આયોજન કર્યા છે. જેના માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાની પ્રોસેસ પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ વખતે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફ્ટીની પરમિશનની ગાઈડલાઈન વધુ સખત બનાવી દેવામા આવી છે. તેમજ ગરભા પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો જરૂરી રહેશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટ શહેરમાં ફાયર NOC વગરની આશરે એક હજાર જેટલી મિલકતો સામે કાર્યવાહી કરી સીલ મારી દીધી હતી. તેમજ તમામને ફાયર NOC રિપોર્ટ રજૂ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. અને પાલિકાએ હવે ફાયર NOC માટેના કાયદાઓ પણ સખત કરી દીધા છે.
ભાવેશ ઉપાધ્યાય