દેશ અને વિશ્ર્વમાં હિરાનગરી તરીકે વિખ્યાત સુરત મહાનગર સ્માર્ટ સિટીની દોડમાં દેશના 20 શહેરોને મહાત કરીને અવ્વલ નંબર પર પહોંચવાની સિદ્ધી પ્રાપ્ત કરીને દેશ આખા માટે ઉદાહરણરૂપ સ્માર્ટ સિટી બન્યુ છે.
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વિવિધ પ્રોજેકટના સંચાલન અને અમલીકરણની દ્રષ્ટિએ સૌથી સારો દેખાવ કરીને સુરત મહાનગરીએ તેની યશકલ્ગીમાં વધુ છોગુ ઉમેર્યું છે. દેશના 20 શહેરોની યાદીમાં કુદકો મારીને સુરતે ચોથા સ્થાનેથી આગળ વધી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી લીધો છે.
કેન્દ્રના ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શહેરો માટે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ શહેર રેન્કિંગની યાદીમાં સુરત ચોથા સ્થાને હતું અને હવે ટોચના સ્થાને પહોંચી ગયું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉ 100 શહેરોના સર્વેક્ષણમાં સુરતને ચોથુ અને અમદાવાદને છઠ્ઠુ સ્થાન મળ્યું હતું. ત્યારબાદ વિવિધ પ્રોજેકટના નિયમન, સંચાલન અને નાણાકીય પાસા સહિતના મુદ્દાઓ પર ફરીથી નિયમીત ધોરણે સર્વેક્ષણ કરવામાં આવ્યા બાદ સુરતે વિકાસની દ્રષ્ટિએ ટોચનું સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે.
મહાનગરમાં અત્યારે રૂા.1573 કરોડના ખર્ચે 65 પ્રોજેકટ ચલાવવામાં આવી રહ્યાં છે. રૂા.1350 કરોડના 15 પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે અન્ય પ્રોજેકટ પુરા થવાની તૈયારીમાં છે. સ્માર્ટ સિટી પ્રોજેકટ માટે મહાનગરને 50 ટકા ગ્રાન્ટ કેન્દ્ર તરફથી અને 25 ટકા ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી મળી છે.
બાકીના 25 ટકા રકમ સુરત મનપાના ફંડમાંથી ઉપયોગમાં લેવામાં આવી છે. આ રીતે સુરતીલાલાઓ માટે હરખભર્યા સમાચાર આવ્યા છે. કોરોનાની લપેટમાં આવી ગયા બાદ હિરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ તથા અન્ય ધંધાઓ પર જબરી અસર થઈ હતી. પરંતુ મહાનગરી સુરત તેમાંથી બહાર આવી રહી છે અને ફરી એકવાર સોનાની મુરત બની રહી છે.