કામરેજના મોરથાણા ગામે સિલ્વર અંબર લેન્ડમાં દરોડા : રોકડા રૃ. ૩.૮૦ લાખ સહિત ૨૧ લાખથી વધુનો મુદ્દામા
સુરત નજીક કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલા સિલ્વર અંબર લેન્ડ નામના ફાર્મહાઉસમાં ત્રણ બંગલામાં સુરત શહેરમાંથી જુગાર રમતા ૨૮ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડા રૃ. ૩.૮૦ લાખ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૃ. ૨૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભીમ અગિયારસના તહેવારમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ભીમ અગિયારસના તહેવારમાં સુરત શહેરથી કેટલાક શખ્સો મોરથાણા ગામે આવેલા સિલ્વર અંબર લેન્ડ નામના ફાર્મહાઉસના બંગલામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.
જે આધારે પીએસઆઇ એ.એમ. કામડીયાએ અલગ અલગ ત્રણ પોલીસ ટીમ બનાવીને છાપો માર્યો હતો. ફાર્મહાઉસમાં આવેલા ત્રણ બંગલામાં અલગ અલગ બેસીને જુગાર રમતા કુલ ૨૮ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા.
જેમાં બંગલા નંબર- ૬૫માં સાત જણા પાસેથી જુગારની બાજીમાંથી તથા અંગજડતીમાંથી રોકડા રૃ. ૧,૬૯,૫૫૦ કબ્જે કર્યા હતા. બંગલા નં. ૧૦૪માં ૧૪ જણા જુગાર રમતા હતા. જેઓની પાસેથી રોકડા રૃ. ૬૨૫૦૦ અને બંગલા નં. ૬૯માં ૭ જણા જુગાર રમતા રોકડા રૃ. ૧,૪૮,૩૭૫ સાથે રંગેહાથ ઝડપાયા હતા.
પોલીસે તમામની અંગજડતી તથા અન્ય મુદ્દામાલ સાથે અંદાજીત રૃ. ૨૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા તમામ સુરત શહેરના વરાછા વિસ્તારના છે.