- મિત્ર દ્વારા જ મિત્રની હત્યાની ઘટનાનો કિસ્સો સામે આવ્યો
- હત્યારાની પોલીસે ધરપકડ કરી
સુરત ન્યૂઝ : સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં મિત્ર દ્વારા જ મિત્રની હત્યા ની ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નવસારીમાં જલાલપોરમાં રહેતો 28 વર્ષીય રવિદાન બાટી નામનો યુવક સુરતમાં રહેતી તેની પત્ની અને બાળકો મળવા માટે સુરત આવ્યો હતો. મહત્વની વાત છે કે રવિદાનના લગ્ન સાત વર્ષ પહેલા જીગીશા સાથે થયા હતા પરંતુ મનમેળ ન થવાના કારણે રવિ દાનની પત્ની જીગીશા 2018થી તેનાથી જુદી રહેવા લાગી હતી અને ત્યારબાદ રવિ દાન જલાલપોરમાં રહેવા ગયો હતો.
24 એપ્રિલના રોજ રવિદાન તેના બાળકોને મળવા ગયો હતો અને ત્યારબાદ રાત્રે તે મકાઈપુલ પાસે આવેલ દોટીવાલા બેકરી નજીક બેઠો હતો. તે સમયે તે પોતાના મિત્ર રમેશ ચૌધરીની ત્રણ વર્ષની દીકરીને રમાડતો હતો. આ ત્રણ વર્ષની દીકરીના પિતા રમેશ ચૌધરીને એવી આશંકા ગઈ કે રવિદાન બાળકીની છેડતી કરી રહ્યો છે. તેથી રવિદાન અને રમેશ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા રમેશે પોતાની પાસે રહેલ લાકડાનો ફટકો રવિદાનના માથામાં મારી દીધો હતો. આ ઘટનામાં ગંભીર ઈજામાં રવિનું મોત નિપજ્યું હતું અને મિત્રની હત્યા કર્યા બાદ રમેશ ભાગી ગયો હતો. તો બીજી તરફ રવિદાનની પત્ની દ્વારા સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી રમેશ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
ભાવેશ ઉપાધ્યાય