સુરત સમાચાર
સુરતમાં સોનામાં રોકાણના નામે લોભામણી સ્કીમો આપી રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં ફરાર આરોપીની બનાસકાંઠાથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 30 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જ્યાં અન્ય કોઈ નિવેષકારો જોડે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગેની વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે. સસ્તામાં સોનું મળતું હોવાની લોભામણી સ્કીમો આપી પતિ પત્ની અને સાળા દ્વારા લોકો જોડે છેતરપિંડી આચરી હતી.જે અંગેની ફરિયાદ ભોગ બનનારાઓ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
વર્ષ 2023 માં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ચોપડે વેસુ ખાતે રહેતા ભરત મધુસુદન ઠક્કર દ્વારા છેતરપિંડીની ફરિયાદ આપવામાં આવી હતી. મધુસુદન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સંજય કુમાર ઉર્ફે કાળુ ભીમજી સોની જોડે તેઓની મિત્રતા થઈ હતી. સંજય સોની ,તેની પત્ની અને તેના શાળા વૃશીલ વોહરા દ્વારા મધુસુદન ઠક્કરને સસ્તામાં સોનું મળતું હોવાની લોભામણી સ્કીમ આપી વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા. જે બાદ જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 દરમિયાન માર્કેટ ભાવ કરતા 30 ટકા ઓછા ભાવે સસ્તામાં સોનું અપાવી વિશ્વાસમાં લઈ લીધા હતા. ત્યારબાદ સસ્તામાં વધુ સોનું અપાવવાના બહાના હેઠળ આરોપીઓએ 99 લાખનું રોકાણ કરાવડાવ્યું હતું. જે રોકાણ કરાવડાવી ત્રણેય આરોપીઓએ મુદ્દલ કે નફો આપવામાં હાથ ઊંચા કરી દીધા હતા. પોતાની મૂળ મુદ્દલ માંગવા ગયેલા મધુસુદન ઠકકરને આરોપીઓ દ્વારા ધાક- ધમકીઓ આપી અન્ય કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.
મધુસુદન ઠક્કરની ફરિયાદ આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જે કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે જે તે સમયે મુખ્ય આરોપીની પત્ની અને તેના સાળાની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી પોતે પોલીસ ધરપકડથી ફરાર હતો.. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી સંજય સોની બનાસકાંઠા ખાતે છુપાયો છે. જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બનાસકાંઠાના રાણપુર ખાતેથી આરોપી સંજય કુમાર ઉર્ફે કાળું ભીમજી સોની ને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદના દાણીલીમડા, બનાસકાંઠાના આગથલા, રાજસ્થાનના જાલોર અને મોરબીના ડીસા પોલીસ સ્ટેશનમાં પાંચ અલગ અલગ કેસો નોંધાઇ ચુક્યા છે. જે ગુનામાં પણ આરોપીની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કરેલી પૂછપરછ જાણવા મળ્યું હતું કે, આરોપી અને તેના સાગરીતો પોતે સોનાના મોટા વેપારી હોવાની ઓળખ બજારમાં આપે છે.જ્યાં સસ્તામાં સોનુ મળતું હોવાની સ્કીમો આપી લાખો રૂપિયાનો રોકાણ કરાવવામાં આવે છે. ત્યારબાદ પ્રથમ વખતે સસ્તામાં સોનુ આપી વિશ્વાસ અને ભરોસો કેળવે છે. જે બાદ મોટો હાથ મારી છેતરપિંડી આચરવામાં આવે છે. વધુમાં ક્રાઈમ બ્રાન્ચ ની પૂછપરછ માં આરોપીએ માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાત રાજ્યના ઘણા શહેરોમાં અલગ અલગ લોકો જોડે આ પ્રમાણે છેતરપિંડી હાજરી હોવાનું જાણવા મળ્યું છે. જેથી છેતરપિંડીના ભોગ બનેલા લોકો સુરત ક્રાઈમ બ્રાન્ચને સંપર્ક કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. વધુ ગુના ઉકેલાવાની શક્યતા ના પગલે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી 30 મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવ્યા છે.જ્યાં વધુ ગુનાઓ ઉકેલાવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.