Surat: વર્ષોથી બંધ પડેલી વ્યારા સુગરને ચાલુ કરવાનું ભગીરથ કાર્ય રાજય સરકારના સહયોગથી ફરીથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ચાલુ પીલાણ સિઝનમાં ચાર લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ વ્યારા સુગર દ્વારા કરવામાં આવશે એમ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું. વ્યારા સુગર ફેકટરી ખાતે આયોજીત સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રી પાટીલે જણાવ્યું હતું કે, ખેડૂતોને યોગ્ય ભાવો મળી રહે એવા સુગરની કસ્ટોડિયન કિમિટીના પ્રયાસો રહ્યા છે. ખેડૂતોને રૂા. 2800 રૂપિયા પ્રતિ ટન ભાવ ચૂકવવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતો લોભ લાલચમાં આવ્યા વગર વ્યારા સુગરને બેઠી કરવામાં મદદ કરે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

આ વેળા મંત્રી પાટીલે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેઇને યાદ કરતા જણાવ્યું હતું કે, 2004માં જયારે સ્વ. અટલજી પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે પણ વ્યારા સુગર ફેકટરીને ફરીથી શરૂ કરવા માટે પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારના ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઇ રાજય સરકારે સુગરને ફરીથી શરૂ કરવામાં માટે રૂપિયા ત્રીસ કરોડની માતબર રકમ ફાળવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, વ્યારા સુગરને ફરીથી ચાલુ કરવા માટે નિમિત્ત બનવાનું મારા ભાગ્યમાં લખાયું હશે જે મારા માટે જીવનભરનું સંભારણું છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવનદોરી સમાન સુમુલ ડેરી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો ખેતી કરે છે તેની આવક વર્ષમાં એક કે બે વાર જ થાય છે પરંતુ ખેતી સાથે પશુપાલન કરી પુરક રોજગારી સુમુલના માધ્યમથી મળી રહે છે એમ કહી તેમણે સુમુલ ડેરીના દિન પ્રતિદિન વધતા જતા વ્યાપ અંગે વિગતે વાત કરી મુંબઇ અને કોલ્હાપુરમાં સુમુલ ડેરી નવા પ્લાન્ટ શરૂ કરવા જઇ રહી છે એમ કહી તેમણે ભવિષ્યમાં ગોવા ખાતે પણ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

01 26

સુમુલ ડેરીનું મહત્વ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, શહેરના લોકો સવારે ઉઠીને ચા પીવે છે એનું કારણ મારા સુમુલના ખેડૂતો છે કે જેઓ સુમુલને દુધ પુરૂ પાડે છે. કેન્દ્ર સરકારના “કેચ ધ રેઇન વોટર” અભિયાન અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પાણીની ખેંચ ન પડે એ માટે “કેચ ધ રેઇન વોટર” અભિયાન અંતર્ગત ગુજરાતમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીએ જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. 1400 જેટલા પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવ્યા છે જયારે 80,000 પ્રોજેકટ આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે ગુજરાત એક મૉડેલ સ્થાપિત કર્યું છે. જેનું આગામી સમયમાં સમગ્ર દેશ દ્વારા અનુસરણ કરવામાં આવશે એમ કહી તેમણે આ કામગીરીમાં નવસારી જિલ્લો પ્રથમ, સુરત જિલ્લો, દ્વિતીય અને તાપી જિલ્લો તૃતીય સ્થાન ધરાવે છે એમ જણાવ્યું હતું.

આગામી પચાસ વર્ષ પછી ઉભી થનારી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અત્યારથી આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે જે માત્ર દેશનું જ નહીં વિશ્વનું પણ એકમાત્ર શહેર છે એમ મંત્રી પાટીલે જણાવ્યું હતું. આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજી હળપતિ અને સાંસદ પ્રભુ વસાવાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી આ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન વ્યારા સુગરને પુન: કાર્યરત કરવાના સરકારના પ્રયાસોની સરાહના કરી હતી. સુમુલ ડેરીના ચેરમેન અને વ્યારા સુગરના પ્રમુખ માનસિંહભાઇ પટેલે વ્યારા સુગરને પુન: શરૂ કરવાના પ્રયાસોની અંગે વિગતે જાણકારી આપી રાજય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલ વ્યારા સુગરને દક્ષિણ ગુજરાતની અન્ય સુગર ફેકટરીઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

03 17

સુમુલ ડેરી અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી દ્વારા રૂા. 3500 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર કરવામાં આવે છે. સુમુલ ડેરી પ્રતિદિન પશુપાલકોને રૂા. 12 કરોડ ચૂકવે છે. આગામી સમયમાં સુમુલનું વાર્ષિક ટર્ન ઓવર રૂા. 10,000 કરોડનું કરવાનું આયોજન છે જેમાં પશુપાલકો ચોકકસ સહકાર આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલા અને આગામી સમયમાં કરવામાં આવનાર રૂા. 53.74 કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યું હતું.

આ ઉપરાંત દુધ મંડળીઓના રૂફ ટોપ સોલાર સિસ્ટમ અંગેના મંજૂરી હુકમો, ટી.એસ.પી સોનગઢ અને માંડવીના પશુપાલનલક્ષી સહાયના લાભાર્થીઓ અને આઇ-ખેડૂત પોર્ટલ યોજના સુરત અને તાપી જિલ્લાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મૂકેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંગ વસાવા, ધારાસભ્ય મોહન ઢોડિયા, સંદિપ દેસાઇ, ડૉ. જયરામ ગામીત, મોહન કોકણી, સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન નરેશ પટેલ, સુમુલ ડેરી અને વ્યારા સુગરના ડિરેકટરો, જિલ્લા કલેકટર વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શાહ, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, પ્રાયોજના વહીવટદાર, સોનગઢ, અન્ય પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ખેડૂતો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

04 5

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.