- સૈયદપુરાના બિલ્ડર પાસે 16 લાખ પડાવ્યા છતાં વધુ 5 લાખ માંગી બ્લેકમેઈલિંગ કરતા હતા
- સનોવર અને સારિક મંસૂરીએ 20 લાખનો ફ્લેટ 5 લાખમાં પડાવી લેવા બળજબરીથી લખાણ પણ કરાવી લીધું હતું
સૈયદપુરા, રામપુરા વિસ્તારના બિલ્ડરોને બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી વસૂલતા મસૂરી પિતા-પુત્ર સામે લાલગેટ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. સૈયદપુરાના બિલ્ડર પાસે 16 લાખ પડાવ્યા છતાં વધુ પ લાખ માંગી બ્લેકમેઇલિંગ કરાતા આખરે મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો.
મળતી વિગતો પ્રમાણે સૈયદપુરામાં કતારગામ દરવાજા ખાતે વારસી ટેકરામાં રહેતા એઝાઝ અહેમદ મુસ્તાક શેખ (35) વ્યવસાયે બિલ્ડર છે. રામપુરા વિસ્તારમાં તેમણે બાંધકામ કરેલું છે. આરોપી સનોવર હુસેન મોહંમદ મન્સૂરી પાલિકામાં ખોટી આરટીઆઇ કહો કે અરજીઓ કરી બિલ્ડરોને રંજાડવામાં બદનામ છે. સનોવર હુસેને બિલ્ડર એઝાઝ શેખને બાંધકામ ગેરકાયદે હોવાનું કહી તોડાવી પાડવાની ચેનકેન પ્રકારે દમદાટી- ધમકી આપી રોકડ અને ચેકથી રૂપિયા લાખ પડાવી લીધા હતા. આ રીતે બ્લેકમેઇલ કરી ફ્લેટ પડાવી લેવાનું પણ તેને લખાણ લઇ લીધું હતું. 20 લાખની કિંમતનો ફ્લેટ પ લાખમાં લેવાની પણ દાદાગીરી કરતો હતો. આમ, 15 લાખ ખંડણી પેટે ચૂકવ્યા છતાં વધુ રૂપિયા ૫ લાખની માંગણી કરતો હતો. છેલ્લા ૫ માસથી તે બિલ્ડરને ટોર્ચરિંગ કરતો હતો. ગત તા.17મીએ સાંજે સનોવર હુસેને કોલ કરી પૈસા માંગ્યા હતા. પાંચ મિનિટ બાદ સનોવર અને તેનો દીકરો સારીક નાણાં લેવા બિલ્ડર એઝાઝની ઓફિસે પહોંચ્યો હતો. અહીં સ્ટાફની હાજરીમાં એલફેલ બોલી હાથ- ટાંટિયા તોડાવી દેવાની તેને ધમકી આપી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય